ક્રાઈસ્ટચર્ચ, તા.૩૦
ભારતે અન્ડર-૧૯ વિશ્વકપમાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને ર૦૩ રને કારમો પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અન્ડર-૧૯ વર્લ્ડકપમાં રનોની દૃષ્ટિએ પાકિસ્તાનની સૌથી મોટી હાર છે. શતકવીર સુભમન ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. ભારત ફાઈનલમાં ત્રીજી ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારત તરફથી ઈશાન પોરેલે ચાર, શિવાસિંહ-રિયાન પરાગે બે-બે અને અનુકૂલ રોય- અભિષેક શર્માએ એક-એક વિકેટ ઝડપી. આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં પાકિસ્તાન સામે ર૭૩ રનનું લક્ષ્યાંક મૂક્યું હતું. ભારતે નિર્ધારીત પ૦ ઓવરમાં નવ વિકેટે ર૭ર રન બનાવ્યા હતા. શુભમન ગિલે ૧૦ર રનની ઈનિંગ રમી. પાકિસ્તાન માટે મોહમ્મદ મૂસાએ ચાર વિકેટ ઝડપી. ભારત માટે કપ્તાન પૃથ્વી શો (૪૧) અને કાલરા (૪૭)એ પણ ઉપયોગી ઈનિંગ રમી. શુભમન ગિલ આ ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન છે એટલું જ નહીં તે પ્રથમ ભારતીય બેટ્‌સમેન છે જેણે અન્ડર -૧૯ વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારી છે.
મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ગ્રાઉન્ડ પર જ ઉજવણી કરી. તેઓ પ્રશંસકો સાથે સેલ્ફી લેતા દેખાયા. ડ્રેસીંગ રૂમમાં જતા પહેલા ખેલાડીઓએ પ્રશંસકો સાથે સમય વિતાવ્યો. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે મેચ બાદ પ્રશંસકો સાથે ફોટા પડાવ્યા દ્રવિડ ઉજવણી કરતાં ઓછો જોવા મળે છે તે મોટાભાગે ડ્રેસીંગ રૂમમાં જ સમય વિતાવે છે પણ ફાઈનલમાં પહોંચ્યા બાદ રાહુલ ઘણો ખુશ હતો. તેણે ગ્રાઉન્ડ પર આવીને દર્શકોનો આભાર વ્યકત કર્યો અને સેલ્ફી લીધી.