પ્રો.ઉત્સા અને પ્રભાત પટનાયકે ત્રણ કૃષિ કાયદા પસાર કરવામાં વર્તમાન સરકારની અસંવેદનશીલતા અને ભારતની અન્ન સુરક્ષા યોજના પર તેના પ્રભાવની વિષદ વાત કરી

(એજન્સી) તા.૨૧
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના (જેએનયુ) પ્રો.પ્રભાત પટનાયક અને ઉત્સા પટનાયકે ૯,જાન્યુ.૨૦૨૧ના રોજ કૃષિ કાયદાઓ, ખાદ્ય સુરક્ષા અને પીડીએસ પરની એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાઓના કારણે ભારતમાં અનાજ પ્રાપ્તિ અને વિતરણ પ્રણાલિ સામે ખતરો ઊભો થયો છે.
પ્રો.પ્રભાત પટનાયકે અનેક દુષ્કાળો અટકાવવામાં લઘુત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) પ્રાપ્તિ કામગિરી અને જાહેર વિતરણ પ્રણાલિના (પીડીએસ) મહત્ત્વ પર ભાર મૂંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં ભાવોના મોટા પાયે ચડાવ ઉતારને કારણે ખેડૂતો ખુલ્લા બજારની દયા પર નિર્ભર હોય છે. આનો અર્થ એ થયો કે જ્યારે કૃષિ પેદાશોના ભાવ ગગડે છે ત્યારે તેની અસર ખેડૂતો સુધી પહોચે છે પરંતુ જ્યારે ભાવ વધે છે ત્યારે ખેડૂતોને તેના સપ્રમાણ નફાનો લાભ થતો નથી.
તેમણે ૧૯૩૦માં મહામંદી દરમિયાન ગંભીર કરજનો સામનો કરનાર વિશાળ ખેડૂત સમુદાયનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક વખત દેવામાં ફસાયા બાદ ખેડૂતો ફરીથી તેમાંથી બહાર આવી શકતાં નથી. તેમણે દેવાનું વ્યાજ ચૂકવવું પડે છે અને જમીન ગુમાવવાનો વારો આવે છે. ખેડૂતો માટે દેવુ એટલે જાણે નિરાધાર બની જવા સમાન છે. ખેડૂતોની આ પ્રકારની કફોડી સ્થિતિ પર ધ્યાન આપવા સ્વતંત્રતા બાદ ભારત સરકારે રોકડ પાક માટે ભાવ સમર્થન મૂલ્ય આપવાનો નિર્ધાર કર્યો હતો.
આ વળતર ભાવને કારણે ૧૯૬૦માં હરીયાળી ક્રાંતિ શરૂ કરવામાં મદદ મળી હતી. હવે જ્યારે ભાજપ આ પ્રકારની પૂર્વ વ્યવસ્થાને તિલાંજલિ આપવા જઇ રહી છે ત્યારે આ એક પ્રકારની ભારતના ઇતિહાસમાં સ્વતંત્રતા બાદ ન જોવા મળી હોય એવી અસંવેદનશીલતા છે જે આપણને બ્રિટિશકાળની યાદ અપાવે છે. ખાસ કરીને લઘુત્તમ સમર્થન મૂલ્ય અંગે વાત કરતાં તેઓ એ વાત પર સંમત થયાં હતાં કે ભૂતકાળમાં એમએસપી પર્યાપ્ત રહ્યાં નથી તેમ છતાં તેમણં જણાવ્યું હતું કે એમએસપીને કારણે ખેડૂતને એક પ્રકારનો આધાર મળી રહ્યો હતો.
આમ ભારતે જો અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવી હશે તો પોતાનું જ અનાજ ઉગાડવું પડશે એવું જેએનયુના આ પ્રાધ્યાપકોએ જણાવ્યું હતું. કારણ કે આ પ્રકારના કાયદા અનાજ પ્રણાલિને કોઇ રીતે લાભકારી નથી.