(એજન્સી) નવી દિલ્હી,તા.૧
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવા વર્ષના અવસર પર આંદોલનરત ખેડૂતોનો ઉલ્લેખ કરતા અભિનંદન આપ્યા. રાહુલ ગાંધીએ નવા વર્ષ પર તે લોકોને યાદ કર્યા જેમણે અમારી સુરક્ષા કરતા પોતાનું બલિદાન આપ્યું. તેમણે જણાવ્યું કે હું પોતાના હક માટે લડી રહેલા ખેડૂતો અને મજુરોની સાથે દિલથી છુ. રાહુલ ગાંધી આ દિવસો દરમ્યાન વિદેશ પ્રવાસ પર છે. તે કૃષિ કાયદાઓની વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનું સમર્થન કરતા અનેક વખત સરકારની ટીકા કરી ચૂકયા છે. રાહુલ ગાંધીએ નવા વર્ષના અભિનંદન આપતા પોતાના ટવીટમાં લખ્યું કે, જેવું કે નવુ વર્ષ શરૂ થઈ ગયું છે, અમે તે લોકોને યાદ કરીએ છીએ. જેમને આપણે ગુમાવી દીધા અને તે લોકોનો આભાર વ્યકત કરૂ છું. જે આપણી સુરક્ષા કરી રહ્યા છે અને જેમણે આપણી માટે બલિદાન આપ્યું. તેમણે કૃષિ કાયદાઓની વિરૂદ્ધ આંદોલન કરી રહેલા અન્નદાતાઓનું સમર્થન કરતા જણાવ્યું કે હું દિલથી તે ખેડૂતો અને મજુરોની સાથે છું, જે સમ્માન અને ગરિમાની સાથે અન્યાયપૂર્ણ શકિતઓની વિરૂદ્ધ લડાઈ લડી રહ્યા છે. બધાને નવા વર્ષની શુભેચ્છાઓ. પંજાબ, હરિયાણા અને અન્ય રાજયોના ખેડૂત કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ અંગે દિલ્હી બોર્ડર પર અડગ છે. ખેડૂતોને ભય છે કે આ કાયદાઓથી ન્યુનતમ સમર્થન મુલ્ય (એમએસપી) વ્યવસ્થા સમાપ્ત થઈ જશે અને તેમણે મોટી કંપનીઓની દયા પર રહેવું પડશે. સરકાર અને ખેડૂતોની વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અનેક અવસર પર આશ્વાસન આપી ચૂકયા છે.