(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
ટીઆરપી રેટિંગ્સમાં ગરબડના આરોપો મામલે સીબીઆઇની તપાસની માગ કરતા રિપબ્લિક ટીવીની અરજી સ્વીકારવાનો ઇન્કાર કરતા સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવી દીધું હતું કે, તપાસનો સામનો કરી રહેલા અન્ય નાગરિકોની જેમ સુપ્રીમને બદલે ચેનલે પણ બોમ્બે હાઇકોર્ટમાં જવું જોઇએ. જાહેરાતના ઉંચા ભાવો લેવા માટે રેટિંગમોં કથિત ગરબડ બદલ મુંબઇ પોલીસ દ્વારા તપાસનો સામનો કરતી ત્રણ ચેનલોમાં રિપબ્લિક ટીવીનો પણ સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું કે, તમે પહેલા જ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટ જ્યાં સુધી અમને કોઇ સંદેશ ના આપે ત્યાં સુધી હાઇકોર્ટોના કામમાં રસ દાખવવા નથી માગતા. સીઆરપીસી હેઠળ તપાસની વિષમતાઓનો સામનો કરનારા અન્ય નાગરિકોની જેમ જ તમારે પણ હાઇકોર્ટમાં જ જવું જોઇએ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, ઇન્દુ મલ્હોત્રા અને ઇન્દિરા બેનરજીની ત્રણ જજોની બેંચે કહ્યું કે, હાઇકોર્ટ કોરોના રોગચાળા દરમિયાન પણ કામ કરી રહી છે અને આ મીડિયા ગ્રૂપે ત્યાં જવું જોઇએ કારણ કે, હાઇકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવેલા વર્લીમાં જ તેની ઓફિસ આવેલી છે. રિપબ્લિક ટીવી તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ હરિષ સાલ્વેએ પોલીસ કમિશનર દ્વારા મીડિયામાં ઇન્ટરવ્યૂ આપવા બદલ ચિંતા વ્યક્ત કરી હતી. કેસની ચર્ચા કર્યા વિના જસ્ટિસ ચંદ્રચૂડે સાલ્વેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અત્યારના સમયમાં પોલીસ કમિશનર દ્વારા ઇન્ટરવ્યૂ આપવાની વૃત્તિ અંગે અમે ચિંતિત છીએ. બાદમાં રિપબ્લિક ટીવીએ સુપ્રીમમાંથી પોતાની અરજી પરત લઇ લીધી હતી. બીજી તરફ મુંબઇ પોલીસે રિપબ્લિક ટીવી દ્વારા દાખલ કરાયેલી અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ કેસમાં ચેનલ પોલીસ તપાસને નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરે છે. સુપ્રીમ કોર્ટમાં વધારાની એક અરજી બુધવારે મોડી રાતે દાખલ કરતા મુંબઇ પોલીસે કહ્યું હતું કે, આ કેસમાં રિપબ્લિક ટીવી કાર્યક્રમો ચલાવીને કાયદાની પ્રક્રિયાનું હનન કરે છે અને સાક્ષીઓને ધમકાવી રહ્યું છે. પોલીસે સોગંદનામામાં જણાવ્યું કે, આ કેસની તપાસ સીબીઆઇને ટ્રાન્સફર કરવાની રિપબ્લિક ટીવીની માગ માનવામાં આવે તેવી નથી. રિપબ્લિક ટીવી ટીઆરપી રેટિંગ ગરબડમાં તપાસને નિષ્ફળ બનાવવા માગે છે. તે મુક્ત અને નિષ્ફક્ષ તપાસમાં મીડિયા ટ્રાયલ ચલાવે છે. રિપબ્લિક ટીવીના એડીટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી કેસ સંબંધિત કાર્યક્રમો ચલાવે છે અને ડિબેટ ચલાવે છે ઉપરાંત સાક્ષીઓનો સંપર્ક કરીને કેસમાં દખલ આપીને સાક્ષીઓને ધમકાવે છે. સુપ્રીમ કોર્ટમાં બોલવાની આઝાદીના ચેનલના દાવાનો પણ મુંબઇ પોલીસે વિરોધ કર્યો હતો.
‘‘અન્ય નાગરિકોની જેમ તમે પણ હાઇકોર્ટ જાવ’’ : રિપબ્લિક ટીવીને સુપ્રીમની સ્પષ્ટ વાત

Recent Comments