(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૨
લોક ડાઉન બાદ મોટી સંખ્યામાં વતન ગયેલા પ્રવાસી મજૂરોને પરત લાવવાની હિલચાલ ચાલી રહી છે, ત્યારે દેશના અન્ય રાજ્યમાંથી સુરત આવતાં મજૂરોને માઇગ્રન્ટ લેબરના ઓળખપત્ર આપવા સાથે તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે એવી માંગ મૂકવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને આ રજૂઆત કરી હતી. સુરત જીલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ઔદ્યોગિક અધિનિયમ હેઠળ મજૂરોને આવાસ, ભોજન તથા સારવારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. બધા પ્રવાસી મજૂરોને વીમા સુરક્ષા અને ભવિષ્ય નિધિની તમામ સુવિધાઓ આપવામાં આવે. સુરત રોજગારી માટે આવતા પ્રવાસી મજૂરોને સંરક્ષણ અને સુરક્ષાની ગેરંટી આપવાની ખૂબ જ જરૂર છે, કે જેથી ભવિષ્યમાં ફરી આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે સરળતાથી રાહત એવો સુધી પહોંચી શકે. લેબર ટ્રાન્સપોર્ટ યુનિયનના હોદ્દેદારો રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યાં હતાં અને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.