(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર
દિલ્હીના તબ્લીગી જમાતના મરકઝમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં વડોદરાથી કોઈએ હાજરી આપી હતી કે, કેમ તેની તપાસ કરવા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને ગઈરાત્રે યાદી મળતા આરોગ્ય ખાતાના તમામ મેડિકલ ઓફિસરો અને સ્ટાફ દ્વારા રાતભર કામગીરી આરંભી હતી. દિલ્હી ગયેલા તબ્લીગી જમાતના ૧ર૪માંથી ૧૧૪ લોકોને શોધી કાઢ્યા છે જેમાંથી પ૧ હોમ ક્વોરન્ટાઈન થયા છે, બાકીનાની કાર્યવાહી ચાલુ છે.
દિલ્હીથી કોર્પોરેશનને જે યાદી મળી હતી તેમાં ર૪૯ના નામ હતા. આ તમામ નામના જે તે દિવસે નિઝામુદ્દીન વિસ્તારમાં મોબાઈલ ફોન એક્ટિવ હતા તેના નંબરના આધારે શોધી કાઢ્યા હતા. આ યાદી તપાસતા તેમાંથી ૭૭ નામ ડુપ્લીકેટ મળ્યા હતા. કોર્પોરેશનના આરોગ્ય ખાતાના મેડિકલ ઓફિસરોએ અને સ્ટાફે સમાજના અગ્રણીઓ સાથે મીટિંગ કરી હતી અને વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા. જેમાંથી ૧૧૪ને ટ્રેસ કર્યા હતા. આ લોકો દિલ્હી નિઝામુદ્દીન તબ્લીગી જમાતના કાર્યક્રમમાં ગયા ન હતા. પરંતુ એ વિસ્તારમાં આવેલી દરગાહમાં ગયા હતા અને જેમાંથી બે ફતેપુરાના છે અને ૧ બાપોદનો છે. આ ત્રણને લેપ્રેસી ખાતે સરકારી સેન્ટરમાં ક્વોરન્ટાઈન કર્યા છે. અન્ય પાંચ યમુનાનગર, હરિયાણા તબ્લીગી જમાતમાં ગયા હતા તેઓને પણ હોમ ક્વોરન્ટાઈન કર્યા છે.વડોદરામાંથી જે ૧૧૪ લોકો મળ્યા તેમાંથી પ૧ જણા ગાજરાવાડી, તાંદલજા, નવાયાર્ડ, નાગરવાડા, ફતેપુરા, નવીધરતી વગેરે વિસ્તારમાં હોમ ક્વોરન્ટાઈન થયા છે. જેઓને ૧૪ દિવસ સુધી ઘરમાં રહેવું પડશે અને કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા જઈને રોજ કોઈ તકલીફ છે કે, નહીં તે અંગે ચેકિંગ કરવામાં આવશે. આમ શહેર-જિલ્લામાં મળેલા ર૪૯ નામમાં ૭૭ નામ રિપીટ થતાં જે ૧૭ર બાકી હતા, તેમાંથી કોર્પોરેશન વિસ્તારના ૧ર૪ હતા. ૧૧૪ ટ્રેસ થયા છે અને ૧૦ નથી મળતા. જિલ્લાના ૪૮માંથી ૪ર ટ્રેસ થયા છે અને ૬ નથી મળતા. શહેર-જિલ્લાના હજી કુલ ૧૬ મળતા નથી, જેઓની તપાસ ચાલુ છે.
હરિયાણા ખાતે ગયેલા વડોદરાના તબ્લીગ સમાજના પાંચ લોકોને પણ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, નિઝામુદ્દીન ખાતે કોરોનાના પોઝિટિવ કેસો બન્યા બાદ વડોદરાથી બહાર ગામ ગયા હોય તેવા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પૈકીના પાંચ લોકો થોડા સમય પહેલાં હરિયાણાના પાણીપત ખાતે ટોડરપુર ગામે જમાતમાં ગયા હોવાની વિગતો મળતાં તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.