(એજન્સી) કાબૂલ, તા. ૨૯
અમેરિકાના અફઘાનિસ્તાન પર હુમલાના ૧૮ વર્ષ બાદ હવે તાલિબાન અને અમેરિકા વચ્ચે મોટી સમજુતી થઇ છે. અમેરિકા અને અફઘાનિસ્તાનના આતંકવાદી જૂથ તાલિબાન વચ્ચે શનિવારે શાંતિ સમજૂતી થઇ હતી. તાલિબાન જો સમજૂતીનું પાલન કરશે તો અમેરિકા અને તેના સહયોગીઓ ૧૪ મહિનાની અંદર અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના ખસેડી લેશે. વોશિંગ્ટન અને કાબૂલે શનિવારે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. આ સમજૂતી બાદ અમેરિકા પોતાની સેનાને બહાર કાઢવાનું શરૂ કરી શકે છે. મંત્રણા દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ તાલિબાનને અલ-કાયદા સાથે સંબંધ સમાપ્ત કરવાનો વાયદો નિભાવવાનો આગ્રહ કર્યો છે. અમેરિકા અને તાલિબાન વચ્ચે આ ઐતિહાસિક સમજૂતી કતરની રાજધાની દોહામાં થઇ છે.
ઘોષણામાં કહેવાયું છે કે, શનિવારે સમજૂતી પર હસ્તાક્ષર થયાના ૧૩૫ દિવસની અંદર પ્રારંભિક રીતે અમેરિકા અને સહયોગી દળો પોતાના ૮,૬૦૦ સૈનિકોને પરત બોલાવી લેશે. તેમાં જણાવાયું છે કે, ત્યારબાદ આ દેશો ૧૪ મહિનાની અંદર અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકોને પરત બોલાવી લેશે. બીજી તરફ અફઘાનિસ્તાન સમજૂતી પ્રતિનિધિમંડળ અમેરિકી પ્રતિનિધિમંડળ તાલિબાન સાથે સમજૂતી કરવા માટે દોહા પહોંચ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનના લોકોને નવું ભવિષ્ય તૈયાર કરવાની તકનો લાભ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ સમજૂતીથી ૧૮ વર્ષના લાંબા સંઘર્ષ સમાપ્ત થવાની આશા છે. અમેરિકામાં ૨૦૨૦માં રાષ્ટ્રપતિ ચૂંટણી થનારી છે. ટ્રમ્પ પાછલી ચૂંટણી પ્રચારમાં દે દશકોથી ચાલી આવતા અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકી સેનાને પરત બોલાવવાના સવાલને મોટો મુદ્દો બનાવીને તેને ઉપયોગમાં લેવા માગતા હતા. પરંતુ ચૂંટણી પહેલા ટ્રમ્પ તેને શાંતિ કરાર બાદ જનતાની વચ્ચે પોતાની સિદ્ધિ તરીકે વર્ણવશે. ઉલ્લેખનીય છે કે, ૯/૧૧ના હુમલા બાદ અમેરિકાએ ૨૦૦૧માં તાલિબાન વિરૂદ્ધ યુદ્ધ છેડ્યું હતું. તે માટે અમેરિકાએ ભારે સંખ્યામાં પોતાના સૈનિકો અફઘાનિસ્તાન મોકલ્યા હતા. આ દરમિયાન અમેરિકાના પણ બે હજારથી વધુ સૈનિક માર્યા ગયા હતા. અમેરિકા ઘણા લાંબા સમયથી પોતાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી વાપસી કરાવવા માગે છે પરંતુ આ અંગે તાલિબાન સાથે કોઇ નક્કર વાતચીત થઇ રહી ન હતી. દરમિયાન ભારતે આ કરાર અંગે અફઘાનિસ્તાનમાં શાંતિની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો તાલિબાન અને અફઘાનિસ્તાનની સરકાર પોતાના કરારને તોડશે તો અમે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમારા સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લઇશું.