(એજન્સી) કાબુલ, તા.૧૮
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં છાશવારે બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ સામે આવતી રહે છે અને આવી ઘટનાઓને પગલે અત્યાર સુધીમાં અહીં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયાં છે.
સોમવારે પણ અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં વહેલી સવારે થયેલા હુમલામાં ૭ લોકોના મોત નીપજ્યાં હતાં, જ્યારે ૪૦ લોકો ઘાયલ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. પૂર્વીય ગજની પ્રાંતમાં પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા તરીકે કાર્યરત આરિફ નૂરીએ જણાવ્યું હતું કે, આત્મઘાતી હુમલાખોરો દ્વારા પ્રાંતની રાજધાની ગજની શહેરમાં આવેલા સેનાના ગુપ્તચર દળોના ઠેકાણાંઓ પર હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ગુપ્તચર દળોના ઓછામાં ઓછા ૪૦ જેટલાં જવાનો ઘાયલ થઈ ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, ઘાયલ થયેલા જવાનોની હાલત ગંભીર છે.
નૂરીએ કહ્યું કે, બોમ્બ વિસ્ફોટ કરનાર શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલી કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક લદાયેલા હતાં અને દળોની છાવણીના મુખ્ય દ્વારને વિસ્ફોટક લદાયેલી આ કાર વડે નિશાન બનાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાત્કાલિક ધોરણે આ હુમલાની જવાબદારી કોઈપણ આતંકી સંગઠને લીધી નથી, પરંતુ તાલિબાન આતંકી સંગઠન ગજની પ્રાંતમાં સક્રિય છે અને ભૂતકાળમાં તેણે વારંવાર હુમલાઓની જવાબદારી પણ સ્વીકારી છે. નોંધનીય છે કે, આ હુમલો અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના રાજકીય હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લા દ્વારા સત્તાની વહેંચણીના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાના એક દિવસ બાદ થયો છે.