(એજન્સી) સંયુક્ત રાષ્ટ્ર,તા.૨૭
ભારતે ફરી એકવાર આતંકવાદ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં નામ લીધા વગર પાકિસ્તાનને આડે હાથ લીધો છે. અફઘાનિસ્તાનમાં આંતકવાદની સમસ્યા સ્થાનિય નથી અને દેશની અંદર હુમલા તેના પાડોશમાં રહેલ શરણોથી કરવામાં આવી રહ્યા છે જેણે તાલિબાની નેતાઓને શરણ આપી છે અને જે લશ્કર-એ-તયબા તથા જૈશ-એ-મોહમ્મદ જેવા આંતકી સંગઠનોના કાળા એજન્ડાને સમર્થન કરે છે. સંયુક્ત રાષ્ટ્રના ભારતના પ્રતિનિધિ અકબરૂદ્દીને અફઘાનિસ્તાનની સ્થિતિ પર સુરક્ષા પરિષદની એક ચર્ચા દરમિયાન કહ્યું કે, અફઘાન સરકારની વખાણવા લાયક શાંતિ રજૂઆત છતાં ઉનાળામાં ઘણા લોકોના પ્રાણ જતા રહ્યા હતા. તેમણે કહ્યું કે, એવા હુમલાઓ સુનિયોજિત હોય છે અને આ હુમલાઓ પાડોશીએ આપેલા શરણોથી કરવામાં આવે છે. પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે અફઘાનિસ્તાન પર હુમલો કરનારા આતંકવાદીઓનું સમર્થન કરનારાઓ પર અંકુશ લગાવવામાં આવ્યો નથી.તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસો છતાં હજી પણ એવા દેશ છે જે તાલિબાન, હક્કાની નેટવર્ક, આઈએસ, અલ-કાયદા, લશ્કરે-એ-તયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આંતકી સંગઠનોના કાળા એજન્ડાને સમર્થન કરવા તેમના માટે શરણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે પનાહગાહમાં મુલ્લા ઉમરને શરણ આપી તેણે જ ઓસામા બિન લાદેન ને પણ શરણ આપી. એવું ના થાય કે અમે ભૂલી જઈએ કે અફઘાનિસ્તાનમાં આંતકી સમસ્યા સ્થાનિય નથી.