(એજન્સી) તા.૩
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના પૂર્વ ભાગમાં વહેલી સવારે એક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેની લપેટમાં આવતાં એક કિશોરીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ૧પ જણા ઘવાયા હતા. આ માહિતી અફઘાનિસ્તાનના એક અધિકારીએ આપી હતી. કાબુલ પોલીસ ચીફના પ્રવક્તા બશીર મુજાહિદે જણાવ્યું હતું કે રાજધાની કાબુલના પૂર્વ ભાગમાં કબિલ બે ખાતે આ ઘટના બની હતી. આ વિસ્તારમાં પોલીસ સ્ટેશન આવેલ છે. અહીં સરકારી કસ્ટમ અધિકારીઓ તથા કેટલાક ગેસ્ટના આવાસો પણ આવેલા છે. વઝીર અકબર ખાન હોસ્પિટલમાં ડોક્ટર મોહમ્મદ મુસા ઝહીરે જણાવ્યું કે આ વિસ્ફોટમાં લગભગ ૧પથી વધુ લોકો ઘવાયા છે જેમની સારવાર ચાલી રહી છે જેમાં પ જેટલા બાળકો અને બે મહિલાઓ સામેલ છે. આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે કહ્યું કે વિદેશીઓના કાફલાને નિશાને લેતાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી એક સ્પષ્ટ માહિતી નથી કે વિદેશી સુરક્ષાદળો કે કોન્ટ્રાક્ટરોને ટાંકીને આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી આ હુમલામાં કોઇ વિદેશી નાગરિકના ઘવાયાની માહિતી મળી નથી. નાટોની સેનાએ પણ હાલ આ હુમલા વિશે કોઇ ટિપ્પણી કરી નથી. જોકે ઘટનાસ્થળે સમગ્ર રસ્તા પર લોહી લોહી વહી ગયું હતું. દાનિશના નિવેદન અગાઉ લોકોએ કહ્યું કે આ એક પ્રકારે આત્મઘાતી હુમલો જ હતો. લોકો આ હુમલા વિશે બોલવાનું કે માહિતી આપવાનું ટાળે છે કેમ કે તેમને પોતાને જ ભય છે કે કોઇપણ પ્રકારની ટિપ્પણી તેમના જીવને જોખમમાં નાખી શકે છે. કાબુલમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આઇએસઆઇએસ તથા તાલિબાનને કારણે સતત આતંકી હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. જાન્યુઆરીમાં એક ચારરસ્તા પર વચ્ચોવચ એમ્બ્યુલન્સમાં વિસ્ફોટક લાદીને વિસ્ફોટ કરવાને કારણે ૧૦૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે ર૩પથી વધુ લકો ઘવાયા હતા. આ હુમલાની જવાબદારી પણ તાલિબાને સ્વીકારી હતી. જોકે તેના પહેલા એક લક્ઝરી હોટલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં રર લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી જેમાં ૧૪ વિદેશી હતા.