(એજન્સી) કાબૂલ, તા.૨૧
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ શનિવારે થયેલા એક પછી એક બ્લાસ્ટથી હચમચી ગઇ. એએફપી તરફથી આ મામલે જાણકારી આપવામાં આવી છે. આ બ્લાસ્ટ શહેરની વચ્ચોવચ્ચ સ્થિત ગીચ વસ્તી ધરાવતા ગ્રીમ ઝોન અને ઉત્તરી વિસ્તારમાં થયા છે. આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને લઇને દેશના આંતરિક મંત્રાલયે કહ્યું કે આજે સવારે કાબુલના વિભિન્ન હિસ્સાઓમાં ૧૪ રોકેટ પડતા આઠ લોકોના મોત નિપજ્યા છે અને ૩૧ લોકો ઘાયલ થયા છે. જો કે આ સંખ્યામાં વધારો થઇ શકે છે. એક પછી એક ધડાકાના અવાજથી એવુ લાગી રહ્યું હતું કે સતત રોકેટથી ફાયર કરવામાં આવ્યુ છે. હાલ આ મામલે અધિકારીઓએ કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો કે આંતરિક મંત્રાલયનું કહેવુ છે કે શનિવારની સવારે બે નાના ‘સ્ટિકી બોમ્બ’થી બ્લાસ્ટ થયા હતા. તેમાંથી એકે પોલીસની કારને નિશાન બનાવી હતી. જેમાં એક પોલીસકર્મીનું મોત નિપજ્યુ અને ત્રણ ઘાયલ થઇ ગયા હતા. આ બ્લાસ્ટના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે જેમાં જોઇ શકાય છે કે રોકેટ ભવનોની આરપાર ચાલ્યા ગયા છે. જો કે આ તસવીરો કેટલી સાચી છે તેની પુષ્ટિ થઇ શકી નથી. જણાવી દઇએ કે આ બ્લાસ્ટ અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને તાલિબાન અને કતારના ખાડી રાજ્યની અફઘાન સરકારની બેઠક પહેલા થયા છે. શનિવારે થયેલા આ બ્લાસ્ટની હજુ સુધી કોઇપણ સંગઠને જવાબદારી નથી લીધી.
Recent Comments