(એજન્સી) કાબૂલ, તા.ર૯
અફઘાનિસ્તાનમાં હુમલાનું ષડયંત્ર રચવા દરમિયાન એક આતંકી સંગઠને ૪ મહિનાના બાળકને પોતાનું મ્હોરું બનાવ્યો. આતંકીઓએ માસૂમના કપડામાં બોમ્બ છૂપાવી દીધો હતો. સારી વાત એ રહી કે પોલીસે ઘટનાને અંજામ આપવાથી આતંકીઓને રોકી લીધા. પોલીસ અનુસાર, ઘટનાનું ષડયંત્ર રચવામાં તાલિબાનના ૪ પુરૂષ, ૧ મહિલા અને ૧ બાળક સામેલ હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, બોમ્બ આતંકીઓમાં સામેલ એક યુવકની પાસે હતો. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, તેઓ આ હુમલામાં નવજાતને મારવા ઈચ્છતા હતા કે નહીં.
અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પંચના ઉપાધ્યક્ષ સવિતા અબ્દુલ રહિજાઈએ આ નિષ્ફળ બનાવવામાં આવેલા ષડયંત્રને બર્બર અને ક્રૂર ગણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, બાળકોને આ પ્રકારની ઘટનામાં સામેલ કરવા એ ખૂબ જ ક્રૂર અને બર્બર હોય છે. આવી ઘટનાઓ ઈસ્લામિક શરિયા અને દેશના કાયદામાં પ્રતિબંધિત કરવામાં આવી છે.
આવું પહેલીવાર બન્યું નથી કે આતંકીઓએ કોઈ નાપાક ઘટનાને અંજામ આપવા માટે બાળકોનો ઉપયોગ કર્યો હોય.