માર્ગ પર ગોઠવેલા બોમ્બથી સમગ્ર કાફલાનો ફૂંકી મારવાનો પ્રયાસ

હુમલામાં ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહનો આબાદ બચાવ, વિસ્તારમાં કામ કરી રહેલા ૧૦ લોકોનાં મોત, સાલેહના અંગરક્ષક સહિત ૧૫ લોકો ઘાયલ થયા, તાલિબાને હુમલામાં પોતાની સંડોવણીનો ઇન્કાર કર્યો

(એજન્સી) કાબૂલ, તા. ૯
આતંકવાદ અસરગ્રસ્ત અફઘાનિસ્તાનમાં બુધવારે મોટી ઘટના બની હતી. કાબૂલ શહેરના તૈમની વિસ્તારમાં સવારે ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના કાફલા પર જોરદાર આતંકવાદી હુમલો થયો હતો જેમાં ત્રણ લોકો મોતને ભેટ્યા હતા જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા હતા. ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયેઆ વિસ્ફોટની પુષ્ટી કરી છે. હુમલામાં સાલેહના ત્રણ કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું. જોકે, ઉપરાષ્ટ્રપતિ સ્વસ્થ હોવાનું કહેવાયું છે. અરૂલ્લાહના પુત્ર એબાદ સાલેહે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, હું આશ્વાસન આપવા માગું છું કે, હું અને મારા પિતા બંને સુરક્ષિત છે અને અમારી સાથેની કોઇ પણ વ્યક્તિ શહીદ થઇ નથી. અમે બધા સુરક્ષિત છીએ. એબાદ પોતાના પિતા સાથે યાત્રા કરી રહ્યા હતા. આ પહેલા પણ સાલેહ ઉપર પાછલા વર્ષે જીવલેણ હુમલો થયો હતો જેમાં ૨૦ લોકો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર વિસ્ફોટ બાદ કાફલાની ગાડીઓના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. આસપાસની ઇમારતોને પણ ભારે નુકસાન થયું હતું. માર્ગો પર ચારેતરફ તબાહી જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે, આજના જ દિવસે ૧૯ વર્ષ પહેલા તાલિબાનના વિરોધી નેતા રહેલા અહમદ શાહ મસૂદની પણ હત્યા કરી દેવાઇ હતી. એવું કહેવાય છે કે, આ હુમલા પાછળ તાલિબાન અને પાકિસ્તાની જૂથોની સંડોવણી છે. અફઘાન સુરક્ષા દળોએ ઘટના બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને તલાશી અભિયાન ચાલુ કર્યું હતું. બીજી તરફ ઘાયલોને હેસ્પિટલમાં દાખલ કરાયા હતા. આમાથી કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. વિસ્ફોટને કારણે વિસ્તારમાં આગ લાગી ગઇ હતી અને તેના પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટરને બોલાવાયા હતા. આ હુમલાની જવાબદારી અત્યારસુધી કોઇ સંગઠને સ્વીકારી નથી. અફઘાનિસ્તાન તાલિબાને ટિ્‌વટ કરીને કહ્યું છે કે, આ બ્લાસ્ટ માટે અમારૂં સંગઠન જવાબદાર નથી.