(એજન્સી) પેશાવર, તા.ર૭
પોલીસની બર્બરતાની વિરૂદ્ધ શુક્રવારે પાકિસ્તાનના પેશાવરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા તેમજ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખૈબર પખ્તુન્ખવા પોલીસે અપશબ્દોનો પ્રયોગ કરતાં એક અફઘાન નાગરિકને નગ્ન કરી દીધો હતો. સમાચાર મુજબ પ્રદર્શનકારીઓએ શુક્રવારે અધિકારીઓની વિરૂદ્ધ તહલકા પોલીસ સ્ટેશનની બહાર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા. તેમણે પથ્થરમારો પણ કર્યો અને આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાઓને નુકસાન પહોંચાડ્યું. પોલીસની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનો આ બીજો દિવસ હતો. એસપી સદર સર્કલ એ.એસ.ખાલિદે જણાવ્યું કે, પ્રદર્શનકારીઓના ભેગા થયાના તરત પછી સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી. કેટલાક યુવાનો કાયદો વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીઓએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયરગેસનો ઉપયોગ કર્યો જેમને ત્યારબાદ પાણીથી પોતાની આંખો અને મોંઢાને ધોતા જોવામાં આવ્યા. ર૦ વર્ષીય અહેમદખાને જણાવ્યું કે, અમે પીડિત માટે ન્યાય માંગવા માટે વિરોધ કરી રહ્યા છીએ. પ્રદર્શનકારી રાજકીય વિધાનસભાની ઈમારતની બહાર પણ ભેગા થયા અને પોલીસના અત્યાચારની વિરૂદ્ધ પ્રદર્શન કર્યા. બુધવારે ત્રણ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી અને મહામારી અને અન્ય આરોપોનો એક વીડિયો જોવામાં આવ્યો જેમાં તેમને એક વ્યક્તિને અપશબ્દો બોલતાં અને નગ્ન કરતાં દર્શાવવામાં આવ્યા હતા જેની ઓળખ એક ૩૦ વર્ષીય અફઘાન નાગરિક તરીકે કરવામાં આવી છે જે હાલમાં પેશાવરના તહલકા વિસ્તારમાં રહે છે. ગુરૂવારે અનેક પ્રદર્શનકારી તહલકા વિસ્તારના રસ્તાઓ પર ઉતરી આવ્યા. પ્રદર્શનકારીઓએ પેશાવર પ્રેસ કલબની ઈમારતની સામે ભેગા થઈને શેરશાહ સૂરી રોડને અવરોધીત કર્યો. ટાયર સળગાવ્યા અને પોલીસની બર્બરતાની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.