(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૦
કોરોના વાયરસને વધતો અટકાવવા ગુજરાતમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા પોલીસ તંત્ર ખડેપગે તૈનાત છે લોકડાઉનમાં સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ભડકાઉ પોસ્ટ ઉપર પણ પોલીસ તંત્રની બાજ નજર રાખી રહ્યું છે. દરમ્યાન પોલીસના સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી અત્યારસુધીમાં ફેસબુક, ટિ્‌વટર, ટીકટોક, યુટ્યુબ, વોટ્‌સએપ, ઈન્સ્ટાગ્રામ સહિતના ૧૬૪ જેટલા વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. એમ ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
ગુજરાતમાં લોકડાઉનના અમલ અંગેની વિગતો આપતા ડીજીપી શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. કોરોના પોઝિટિવ દર્દીઓને રોગના લક્ષણો ન હોય તો મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની આવશ્યકતા નથી. તેવો વીડિયો બનાવીને કેટલાક વ્યક્તિઓ દ્વારા ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે. જે સદંતર ખોટી બાબત છે, આવા દર્દીઓને આઇસોલેટ કરીને ચોક્કસપણે સારવાર લેવી ફરજિયાત છે. જો આવા દર્દી સારવાર ન લે તો રોગના વાહક બનીને અન્ય સંખ્યાબંધ વ્યક્તિઓને સંક્રમિત કરે છે. જેથી આવી વ્યક્તિઓને સારવારની જરૂર ન હોવાની વીડિયો બનાવીને વાયરલ કરનાર વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે હવે પોલીસ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહી છે. વાહનોના નંબર પ્લેટને આધારે રસ્તા ઉપર વારંવાર ફરતા દેખાતા નાગરિકોને શોધી કાઢવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન (એ.એન.પી.આર.) સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. રસ્તા ઉપર ફરતા વાહનોનું એનાલિસીસ કરીને એક જ નંબર ધરાવતા વાહનની રૂટ હિસ્ટ્રી તપાસી બિનજરૂરી ફરતા વાહનચાલકોની યાદી તૈયાર કરી તે તમામ સામે ગુનો દાખલ કરવા સુધીની કડક કાર્યવાહી કરાશે. શહેરી વિસ્તારોમાં વાહનોના નંબર આધારે ટ્રેકિંગ માટે એ.એન.પી.આર. સોફ્ટવેરની મદદથી વાહન પર નજર રાખી ૧૫ ગુના દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. એટલું જ નહિ, રેલી – સરઘસોમાં વપરાતી ૩૬૦ ડિગ્રી એરિયા કવર કરતાં કેમેરાથી સુસજ્જ પોલીસની વાન ‘પ્રહરી’ દ્વારા લોકડાઉન પર ચાંપતી નજર રાખવામાં આવશે. તે ઉપરાંત પોલીસ પેટ્રોલિંગમાં ફરતી ગાડીઓમાં પણ હવેથી વીડિયોગ્રાફર રખાશે. જેની વીડિયોગ્રાફી બાદ ફૂટેજના આધારે લોકડાઉન ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. તો બીજી તરફ ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં વિશેષ તકેદારી માટે રેન્જ આઇજીને કેમ્પ કરીને સમગ્ર વિસ્તારમાં અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. વધુમાં ડીજીપીએ ઉમેર્યું હતું કે, દિલ્હી મરકઝથી ગુજરાત આવેલા ૧૨૭ નાગરિકો મળ્યા હતા. આજે અન્ય ત્રણ વ્યક્તિઓને ઓળખી લેવામાં આવ્યા છે જે ત્રણેય વ્યક્તિઓ ભાવનગરના છે. જે ત્રણમાંથી એકનો કેસ પોઝિટિવ આવ્યો છે. એટલે કે કુલ ૧૩૦ વ્યક્તિઓને પોલીસે શોધી કાઢ્યા છે જે તમામને ક્વોરન્ટાઈન કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરા જમાતમાંથી ૧૦૯૫ વ્યક્તિઓ ગુજરાતમાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે તે પૈકી મૂળ તમિલનાડુના ચાર વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે જે ભરૂચમાં છે. સુરા જમાતના મરક્ઝથી આવેલા અન્ય વ્યક્તિઓના ટ્રેસિંગની કાર્યવાહી ચાલુ છે. નોવેલ કોરોના વાયરસના સંક્રમણની શ્રૃંખલાને અટકાવવા માટે ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવો એ જ અમારો ધ્યેય અને પ્રાથમિકતા છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણના કેસોની સંખ્યા જ્યાં જ્યાં વધુ છે. તે તમામ વિસ્તારોમાં ચુસ્ત લોકડાઉનના શક્ય તેટલાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. એમ ડીજીપી ઝાએ જણાવ્યું હતું.

કાયદાના ભંગના ડ્રોનથી ૩૪૮૦ અને
CCTVથી પ૩૪ ગુના નોંધાયા

અમદાવાદ,તા.૧૦
સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનારા અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવા બદલ ૧૭ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૬૬ ગુનાઓ દાખલ કરી ૩૦૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસની ત્રીજી આંખ પણ લોકડાઉનની કડક અમલવારી માટે કાર્યરત છે. ડ્રોનની મદદથી ૪૬૩ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૭૪ ગુનાઓ ગઈ કાલે દાખલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ડ્રોનની મદદથી ૩૪૮૦ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૫૩૪ ગુનાઓ દાખલ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૩૨૭૬ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૯૪૩ તથા અન્ય ૪૫૦ ગુનાઓ મળી કુલ ૪૬૬૯ ગુનાઓ આજે દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૬૯૨૮ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૩૮૬૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.