(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૯
આણંદ જિલ્લામાંથી રોજગારી માટે અબુધાબી ગયેલા સાત જેટલા નાગરિકો સહિત ૧૫૦થી વધુ ગુજરાતના નાગરિકો લોકડાઉનમાં ફસાઈ ગયો છે અને કંપની દ્વારા પગાર તેમજ જમવાની વ્યવસ્થા નહી અપાતા આ નાગરિકો ભારે હાલાકીમાં મુકાયા છે. જેને લઈને આ નાગરિકોએ વતનમાં પરત ફરવા માટે વીડિયો વાયરલ કરી સરકાર પાસે માંગ કરી છે.
ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામના આમીર સૈયદ સહિત જિલ્લાના સાતથી વધુ નાગરિકો થોડા સમય પુર્વે રોજગારી માટે અબુધાબી ગયા હતા અને અબુધાબીના અલ ખજના કેમ્પમાં આવેલી ડેસ્કોન એન્જીનરીંગ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ લોકડાઉનને લઈને કંપનીમાં તમામ કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું અને લોકડાઉનના છેલ્લા બે માસ દરમિયાન તેઓને કોઈ પગાર પણ ચુકવવામાં આવ્યો નથી. જમવાની વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી છે. ભાલેજના આમીર સૈયદ સહિત આણંદ જીલ્લાના સાત જેટલા નાગરિકો તેમજ ૧૫૦ જેટલા ગુજરાતીઓ હાલમાં લોકડાઉનમાં ફસાઈ ગયા છે. અને તેઓને ખાવા પીવાની તકલીફ પડી રહી છે. જેને લઈને કંપનીના સંચાલકોએ આ અંગે અબુધાબી સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. જેથી તેઓએ વીડિયો વાયરલ કરી તેઓને વતન પરત લાવવા માટે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. આ અંગે રાજ્ય સરકારના અધિકારી ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે અબુધાબીમાં ફસાયેલા ગુજરાતના ૧૫૦ થી વધુ નાગરિકોને વતનમાં પરત લાવવા માટે વિશેષ ફ્લાઈટની વ્યવસ્થા કરવા ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.