(એજન્સી) તા.૧
યુનાઈટેડ અરબ અમિરાત (યુએઈ)ની રાજધાની અબુધાબી અને તેનું પ્રવાસન કેન્દ્ર ગણાતા દુબઈમાં સોમવારે થયેલા બે જુદા જુદા વિસ્ફોટોમાં ૩ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અબુધાબીની મીડિયા ઓફિસે કહ્યું હતું કે યુએઈની રાજધાનીમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક સ્થાનિક સમાચાર પત્રના અહેવાલ મુજબ અબુધાબીના રશીદ બિન સઈદ માર્ગ પર થયેલા આ વિસ્ફોટમાં કેએફસી અને હરદીસ રેસ્ટોરન્ટને નુકસાન પહોચ્યું હતું. આ માર્ગ એરપોર્ટ જવાનો મુખ્ય રસ્તો છે જયાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહૂના સહયોગીઓ પસાર થવાના હતા. પોલીસે જણાવ્યું હતું કે અબુધાબીમાં થયેલા આ વિસ્ફોટના કારણે અનેક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જે બિલ્ડીંગમાં આ વિસ્ફોટ થયો તેની આસપાસની બિલ્ડીંગો ખાલી કરાવી દેવામાં આવી છે. અબુધાબીની વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ગેસ કન્ટેઈનરમાં રહેલી ખામીના કારણે આ વિસ્ફોટ થયો હતો. જયારે દુબઈમાં એક રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર ફાટવાના કારણે એક શખ્સનું મૃત્યુ થયું હતું. એક ન્યૂઝ વેબસાઈટે આ વિસ્ફોટો અંગે અહેવાલ પ્રકાશિત કરતા જણાવ્યું હતું કે આ વિસ્ફોટો એવા સમયે થયા હતા જયારે ઈઝરાયેલી પ્રથમ ફલાઈટ અબુધાબી પહોંચી છે આ ફલાઈટમાં અમેરિકા અને ઈઝરાયેલના ઉચ્ચ અધિકારો મુસાફરી કરી રહ્યા છે.