(એજન્સી) તા.૨૧
પેલેસ્ટીની રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસ આરબ દેશોના દબાણમાં છે તેમ છતાંય એમણે અમેરિકા સાથે વાતચીત કરવા ઇન્કાર કર્યો છે. ફતહ ચળવળના અધિકારીએ આ માહિતી આપી હતી. ફતહના નાયબ વડા મોહમ્મદ અલ-અલોઉલે પેલેસ્ટીનના અધિકૃત ટી.વી. ચેનલ એચને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ અબ્બાસ પોતાના આરબ ભાઈઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા અભૂતપૂર્વ દબાણનો સામનો કરી રહ્યા છે કે તેઓ અમેરિકાના વહીવટ સાથે વાતચીત કરે અને ઇઝરાયેલ દ્વારા મેળવાયેલ કસ્ટમ રેવન્યુ સ્વીકારી લે પણ તેઓ સ્વીકારશે નહિ.” એમણે કહ્યું કે બધાને ખબર છે કે ઇઝરાયેલ પેલેસ્ટીનનો મુદ્દો નબળો કરવા પ્રયાસ કરે છે પણ પેલેસ્ટીનીઓ દમનનો સામનો કરવા નિર્ણય કર્યો છે. પેલેસ્ટીની સત્તાવાળાઓ એમની જૂની સ્થિતિ તરફ પાછા ફરશે નહિ અને ઇઝરાયેલ સાથે સહયોગ આપવાનું બંધ કરશે. યુએઈ અને બેહરીને અમેરિકા સમર્થક કરાર ઉપર ૧૫મી સપ્ટેમ્બરે સહી કરી હતી. જેમાં ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવાની હકીકત હતી. પેલેસ્ટીની સત્તાવાળાઓ અને વિરોધીઓએ આ કરારનો વિરોધ કર્યો છે. તેમના કહેવા મુજબ આ કરાર પેલેસ્ટીનના મુદ્દાને સમર્થન નથી આપતો અને પેલેસ્ટીનીઓના અધિકારોની અવગણના કરે છે.