વેબિનારને સંબોધતાં પૂર્વ ન્યાયમૂર્તિએ ડૉ.કફીલખાન, પ્રશાંત ભૂષણ અને એક પત્રકારના કેસનો ઉલ્લેખ કર્યો : આ વર્ષે રાષ્ટ્રદ્રોહના ૭૦ કેસ નોંધાયા

(એજન્સી) તા.૧૪
દેશની પ્રજાના વિચારો, અભિપ્રાય અને મંતવ્ય પ્રત્યે વધુ પડતો તીખો પ્રતિભાવ આપીને કેન્દ્ર સરકાર દ્વારા લોકોના વિચારો, વાણી, અભિપ્રાય અને મંતવ્યને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતાને લોખંડી હાથે કચડી નાંખવા રાષ્ટ્રદ્રોહના કાયદાને ઉપયોગ કરવામાં આવે છે, એમ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ એમ.બી.લોકુરે સોમવારે કહ્યું હતું.
લોકોની વિચાર-વાણી અભિવ્યક્ત કરવાની આઝાદીને કચડી નાંખવા સરકાર દ્વારા જે અન્ય માર્ગ અપનાવવામાં આવે છે તેમાં લોકોના અભિપ્રાયને દબાવી દેવા તેઓની ઉપર ખોટા સમાચારો વહેતા કરવાનો આરોપ મૂકી દેવામાં આવે છે, એમ ભૂતપૂર્વ ન્યાયમૂર્તિએ ફ્રિડમ ઓફ સ્પીચ એન્ડ જ્યુડિશિયરી (અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ન્યાયતંત્ર) વિષય ઉપર આયોજિત એક વેબિનારને સંબોધતા કહ્યું હતું. આ પ્રસંગે તેમણે એક દૃષ્ટાંત આપ્યું હતું કે, એક પત્રકાર હોસ્પિટલોમાં પૂરતા વેન્ટિલેટરો નથી એવા કોરોના મહામારી સંબંધી સમાચારોનું રિપોર્ટિંગ કરી રહ્યો હતો તો તેની સામે સરકારે ખોટા ન્યૂઝ ફેલાવવાનો આક્ષેપ મૂકી દીધો હતો.
લોકોની મુક્ત વાણીની સ્વતંત્રતાને કચડી નાંખવા સરકાર લોખંડી હાથનો ઉપયોગ કરી રહી છે. તાજેતરના ભૂતકાળમાં જ તમને જોવા મળશે કે અનેક લોકોની સામે રાષ્ટ્રદ્રોહનો કેસ કરી દેવાયો છે. એક સામાન્ય નાગરિક કંઈક કહે તો તેની સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી દેવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રદ્રોહના ૭૦ કેસ થઈ ચૂક્યા છે, એમ ભૂતપૂર્વ ન્યાયમૂર્તિએ સરકાર ઉપર પોતાનો રોષ ઠાલવતાં કહ્યું હતું. ખ્યાતનામ એડવોકેટ પ્રશાંત ભૂષણના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના મુદ્દે બોલતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, તેમના નિવેદનોને ખોટી રીતે મૂલવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જસ્ટિસ લોકરે ડૉ.કફીલખાનના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, સિટીઝન્સ અમેન્ડમેન્ટ એક્ટ વિરૂદ્ધ તેમણે જે નિવેદનો કર્યા હતા તે બદલ તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા અંતર્ગત આરોપ મૂકી દેવાયો હતો, પરંતુ ડૉ.કફીલખાનના નિવેદનોનું પણ ખોટું અર્થઘટન કરાયું હતું. વેબિનારમાં ઉપસ્થિત પીઢ પત્રકાર એન.રામે કહ્યું હતું કે, પ્રશાંત ભૂષણના કેસમાં જે સજા સંભળાવવામાં આવી હતી તે પણ તદ્દન અસંગત હતી અને સુપ્રીમ કોર્ટે જે અવલોકન વ્યક્ત કર્યું હતું તેમાં કોઈ દમ નહોતો. મને દેશના ન્યાયતંત્ર પ્રત્યે ભારે માન-સન્માન છે કેમ કે આ એ ન્યાયતંત્ર છે જે ભારતના બંધારણમાં આપેલા પ્રેસની આઝાદીની જોગવાઈઓનો ઉલ્લેખ કરે છે, એમ રામે કેમ્પેઈન ફોર જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મસ દ્વારા આયોજિત વેબિનારને સંબોધતા કહ્યું હતું.