લોકડાઉન અનલોક થયા બાદ રાજ્યમાં ધંધા રોજગાર પુનઃ ધીમે-ધીમે શરૂ થવા લાગ્યા છે. પરંતુ પરપ્રાંતિય શ્રમિકો અને કારીગરોનો તેમના વતનમાં જવાનો સિલસિલો અટક્યો નથી રોજેરોજ અસંખ્ય પરપ્રાંતિયોનો રેલવે સ્ટેશન પર ધસારો જારી જ છે. જો કે, ટ્રેનોની અનિયમિતતાના કારણે આ લોકોને સ્ટેશન પર જ અટવાઈ જવું પડે છે. હાલ, એવી જ પરિસ્થિતિ છે. છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો અને કામદારો અને તેમના પરિવારજનો સ્ટેશન બહાર બેઠા છે. આ લોકોનું જણાવવું છે કે, તેમની પાસે ઓનલાઈન ટિકિટ હોવા છતાં તેમને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવતો નથી. સ્ટેશનના અધિકારીઓ કહે છે કે, ટ્રેન આવવાની હોય ત્યારે જ પ્રવેશ અપાશે. આથી આ શ્રમિકો સ્ટેશન બહાર ટ્રેનની રાહ જોઈ બેસી રહ્યા છે. જેઓને સ્વૈચ્છિક સંગઠનો અને સખાવતી લોકો દ્વારા ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.