(રિયાઝખાન)
અમદાવાદ, તા.૧
કોરોનાએ દેશ અને દુનિયામાં મહામારી સામે હાહાકાર મચાવ્યો છે. આ મહામારી સામે લડવા લોકડાઉન એકમાત્ર ઉપાય છે ત્યારે અનેક લોકો લોકડાઉનનો કારણે ઘરમાં પુરાઈને સાવધાની રાખી રહ્યા છે જ્યારે બીજી તરફ લોકડાઉનમાં પોતાની ફરજ નિભાવવા અનેક યોદ્ધાઓ મેદાને પડ્યા છે. આવા જ એક સેવાભાવી યોદ્ધા છે અમદાવાદના ગફુરભાઈ મીયાણા કે જેઓ શહેરમાં લોકડાઉનના પ્રથમ દિવસથી જ ગરીબ દર્દીઓ માટે ર૪ કલાક ફ્રી રિક્ષા ચલાવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તેમણે ર૦૦થી વધુ હોસ્પિટલ લઈ જવા લાવવાની સેવા ફ્રિમાં કરી છે. પણ કોઈ દર્દી પાસે પૈસાની સગવડ ન હોય તો ગફુરભાઈ એ મામલે પણ મદદ કરવા તૈયાર થઈ જાય છે.
અમદાવાદ શાહીબાગ ખાતે રહેતા પ૦ વર્ષીય ગફુરભાઈ ઈશાભાઈ મીયાણાને પિતા પાસેથી કેટલીક મિલકત વારસામાં મળી જેના થકી એટલી આવક મળતી કે જીવન જીવી શકાય. બસ વધુ શું જોઈએ ? એમ માની ગફુરભાઈએ સેવાનો ભેખ ધરી લીધો. તેઓ યુવા અવસ્થાથી જ લોકસેવા કરે છે. ગરીબ દર્દીઓને ટિફિન પૂરા પાડવા, જરૂરતમંદોને લોહીની વ્યવસ્થા કરી આપવી જેવા અનેક સેવાના કાર્યો તેઓ કરતા હતા. ત્યારબાદ તેમણે રિક્ષા ખરીદી ર૪ કલાક ગરીબ દર્દીઓ માટે મફત સેવા કરવાનો નિર્ણય કર્યો. તેઓ રિક્ષા ચલાવે છે પણ કોઈ દર્દીને દવાખાને લઈ જવો હોય તો તેઓ અડધી રાત્રે પણ મફતમાં દોડી જાય છે. તેમની પત્ની અને બાળકો પણ તેમની આ સેવાથી ખૂબ ખુશ છે. કોરોના સામે લડવા જ્યારે લોકડાઉન જાહેર કરાયું ત્યારથી જ ગફુરભાઈએ ગરીબ દર્દીઓ માટે ર૪ કલાક ફ્રી સેવા આપવાનું નક્કી કરી રિક્ષા લઈ પોતાના શાહઆલમ ખાતેના ઘરે રહેવા આવી ગયા. અહીંથી તેઓ દાણીલીમડા, શાહઆલમ, બહેરામપુરા સહિતના આસપાસના અનેક દર્દીઓને સિવિલ, વીએસ (એસવીપી) અને એલજી સહિતની હોસ્પિટલમાં લઈ જાય છે. વળી દર્દીને દવાખાને વાર લાગે એવું હોય તો તેઓ પાછા આવવાની રાહ પણ જુએ છે. વળી પ્રસૂતિના કોઈ ગરીબ દર્દીને આર્થિક મદદની જરૂર હોય તો ગફુરભાઈ તે માટે સદા તૈયાર રહે છે. ગફુરભાઈની આ કામગીરીને પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ બિરદાવાઈ છે. ગફુરભાઈએ પણ આ મહામારીના સમયે પોલીસ અને હોસ્પિટલની કામગીરીને બિરદાવી છે. કોરોના જેવી મહામારીના સમયે ગફુરભાઈ સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની તકેદારી પણ રાખે છે. તેઓ માસ્ક પહેરે છે અને સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરે છે; ઉપરાંત વારંવાર રિક્ષાની પણ સફાઈ કરી તેમાં સેનિટાઈઝર સહિતની દવાનો છંટકાવ કરે છે. ગફુરભાઈની કામગીરી જોઈ અનેક ગરીબો તેમને દુઆઓ આપે છે. ગરીબ દર્દીઓના મતે તેમના નામ મુજબના ગુણો તેઓ ધરાવે છે. દરેક વિસ્તારમાં આજે અનેક ગફુરભાઈ જેવા લોકોની જરૂર છે.