અમદાવાદ,તા. ૨૦
શામળાજી દર્શન કરવા જઇ રહેલા અમદાવાદના દંપતિને શામળાજી પાસે આગિયોગ બેરણા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત નડયો હતો. જેમાં તેમની મારૂતિ સ્વીફ્ટની કારનું ટાયર ફાટતાં કાર ડિવાઇડર કૂદીને સામે આવતી યુજીવીસીએલની માલસામાન ભરેલી ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગઇ હતી અને જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્ની અને મસિયાઇ ભાઇ એમ ત્રણેય જણાંનું કરૂણ મોત નીપજયા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મૃતક દંપતિ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના હોવાથી અમદાવાદ શહેરમાં અકસ્માતના સમાચાર પહોંચતા સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા નિર્મલ હસમુખભાઇ પટેલ અને તેમના પત્ની ભૂમિકા પટેલ તેમના મસિયાઇ ભાઇ ધર્મેન્દ્ર જયંતિભાઇ પટેલ સાથે શામળાજી દર્શન કરવા માટે મારૂતિ સ્વીફ્ટ કારમાં જઇ રહ્યા હતા ત્યારે શામળાજી પાસે આગિયોગ બેરણા ચોકડી પાસે તેમની કારનું ટાયર અચાનક જ ફાટયું હતું. કારનું ટાયર ફાટતાં કાર નિયંત્રણ ખોઇ બેઠી હતી અને સ્પીડના કારણે હાઇવેના ડિવાઇડરને ઓળંગી સામેથી આવી રહેલી યુજીવીસીએલની માલસામાન ભરેલી ટ્રકના આગળના ભાગે ઘૂસી ગઇ હતી અને જોરદાર રીતે અથડાઇ હતી. કાર અને ટ્રક વચ્ચે એટલી હદે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કે, પતિ-પત્ની અને મસિયાઇ ભાઇના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. આ અકસ્માતમાં રસિક જેઠાભાઇ ભરવાડ અને બાબુજી રમતુજી મકવાણાને ગંભીર ઇજા પહોંચી હતી. મરનાર અમદાવાદ વસ્ત્રાલના રહીશોહતા. પટેલ દંપતિને લગ્નને એક વર્ષ થયા બાદ તે બંને મસિયાઈ ભાઈ સાથે શામળાજી દર્શન માટે ગયા હતા પરંતુ ગમખ્વાર અકસ્માત તેમને નડી ગયો હતો. મારૂતિ સ્વીફ્ટ ગાડી મૃતકના સસરા ઈન્દ્રવદન પટેલની હતી.ગમખ્વાર અકસ્માતને પગલે રોડ પરથી પસાર થતાં લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢવા માટે દરવાજા ખોલવાથી લઈને તોડવા સુધીનું કામ ઉપસ્થિત લોકોએ કર્યુ હતું. ગાડી પાછળ ભાજપનું ચિહ્ન જોવા મળ્યું હતું અને કાર અમદાવાદ પાર્સિંગની છે. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી.
રોડની બંને બાજુ વાહનોની કતાર લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે, ઘટનાની જાણ થતાં પોલીસે દોડી આવી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને ટ્રાફિક નિયમન કરી પૂર્વવત્‌ કર્યો હતો.