અમદાવાદ,તા.ર૮

ઈદ-ઉલ-અઝહાનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ માથું ઉચકયું છે. અમદાવાદ શહેરમાં એક ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવકે ઈદ માટે પાડો ખરીધ્યો હતો. જે ગુમ થઈ જતા તેને શોધવા નીકળ્યો હતો. ત્યારે એક  ભરવાડ કોમના  લોકોએ જોયા જાણ્યા વિના જ કસાઈ કહીને યુવકને માર  માર્યો હતો. જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વિગતવાર  વાત કરીએ તો અમદાવાદ શહેરના  દાણીલીમડા વિસ્તારમાં રહેતા અવેશ કામીલભાઈ શેખ એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. તેમજ  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)નો કોર્સ કરે છે. ઈદ-ઉલ-અઝહાનો તહેવાર  હોવાથી અવેશના પિતા  એક નાનો પાડો લાવ્યા હતા. જે સવારમાં છુટો થઈ જતો રહ્યો હતો. જેથી અવેશ શેખ તેના પિતા તથા પાડોશી મળીને આ પાડાને શોધતા હતા. ત્યારે નારોલની આરવી ડેનીમ કંપની સામે આવેલા હાઈવે રોડથી જિંદાલ કંપની તરફ જવાના રોડ ઉપર  તેઓ પાડાને શોધતા  હતા. તે દરમ્યાન રાણીપુર પાટિયા તરફથી ટુ-વ્હીલર વાહનો ઉપર ૧૦ જેટલા ભરવાડ કોમના  લોકો લાકડીઓ લઈને બૂમો પાડતા આવ્યા હતા અને બોલવા લાગ્યા હતા. કે કસાઈઓ પાડો કાપવા લઈ જાય છો ? કહી ઉશ્કેરાઈ જઈ ત્રણેયને લાકડીઓ મારવા લાગ્યા હતા. જેમાં અવેશને માથાના ભાગે લાકડી મારતા  લોહી નીકળવા લાગ્યું હતું. ઉપરાંત અવેશના પિતાને પણ માર માર્યો હતો. આરોપીઓ મારતા મારતા તેમને રૂબી મારબલ સુધી લઈ ગયા હતા. બૂમાબૂમ થતા  તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ અવેશ અને તેના પિતા કામિલભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા  હતા. સમગ્ર મામલે અવેશ શેખે નારોલ પોલીસ સ્ટેશનમાં રાણીપુર ગામમાં રહેતા સતિષ ઉર્ફે બોપો ભરવાડ, વિજય ભરવાડ સહિત ૧૦ જેટલા ભરવાડ યુવકો સામે ફરિયાદ નોંધાવી છે. નારોલ પોલીસે યુવકને માર મારનારા  આરોપીઓ સામે આઈપીસી એકટ મુજબ ૩ર૩, ૩ર૪, ૩રપ, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપીએ એકટ મુજબ ૧૩પ (૧)ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે નારોલ પીઆઈ એસ.એ. ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર મામલે યુવકની ફરિયાદ નોંધી  ૧૦ જેટલા આરોપીઓને પકડવા પોલીસ તપાસ કરી રહી છે.