(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૪

અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી. આ બ્લાસ્ટને કારણે આસપાસના ત્રણથી ચાર ગોડાઉનની છત ધરાશાયી થતા આ દુર્ઘટનામાં કુલ ૧૧ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સહિત ફાયરબ્રિગેડના લાશ્કરોની ૨૪ ટીમ  ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની સાથે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કપરી કામગીરી બજાવી હતી.

આ કમકમાટીભરી  દુર્ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરના સુમારે પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક બોઈલર ફાટતા ભયંકર આગ ફાટી નીકળી હતી. બોઇલર ફાટવાનો ધડાકો એટલો ભયાનક હતો કે બાજુમાં આવેલી કાપડના ગોડાઉનની તથા અન્ય ચારેક ગોડાઉનની છત ધરાશાયી થઈ ગઈ હતી. પરિણામે આગ કાપડના ગોડાઉનમાં પણ ફેલાઈ જતા લોકોએ બુમાબુમ કરી મુકી હતી આગની આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર લાશ્કરો,૧૦૮ની ટીમ તથા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડ માટે આ કામગીરી ખુબ જ કપરી હતી. કારણ કે એક તરફ આગ ઓલવવાનું કપરું કામ હતું તો બીજી તરફ ત્રણ થી ચાર ગોડાઉનો કાટમાળમાં ફેરવાઈ ગયા હોવાથી તેને ખસેડી બચાવ કામગીરી પણ હાથ ધરવાની હતી. આમ છતાં ફાયરના લાશ્કરોએ અથાગ પ્રયત્નો કરી એક પછી એક કુલ ૧૧ લાશ બહાર કાઢી હતી. જ્યારે ૧૦થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. જે પૈકી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ગોડાઉન બટાભાઈ ભરવાડ નું હોવાનું બહાર આવ્યું છે, જે તેમણે ભાડે આપ્યું હતું. આથી પોલીસે ભાડે રાખનાર કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ હાથ ધરી હતી. આ ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરના જણાવ્યા અનુસાર અમારી સામે આગ ઓલવવાની અને કાટમાળ ખસેડવાની કપરી કામગીરી હતી. છતાં અમારા જવાનોએ જીવને જોખમમાં મૂકી ૧૦થી વધુ લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ૧૧ લાશ બહાર કાઢવામાં આવી હતી. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર હજુ પણ બે લોકો લાપતા છે. કેમિકલના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ બાજુના કાપડના ગોડાઉનમાં પણ પ્રસરી હતી,પરિણામે મૃતકોની સંખ્યા વધી હતી.કાપડના ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જણાઈ ન હતી. તેમના જણાવ્યા અનુસાર પોલીસ અને એફ.એસ.એલ.ના રિપોર્ટ બાદ ફેક્ટરીના માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

મોદીની ટ્‌વીટ પછી તંત્ર દોડતું થયું !

આગની ઘટનાના મૃતકો પ્રત્યે વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં બોઈલર ફાટતાં આગના બનેલા ગોઝારા બનાવમાં ૧૧ લોકોનાં કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે આ કરૂણ બનાવના સમાચાર દિલ્હી દરબાર સુધી પહોંચતા આ ઘટના અંગે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આગમાં મોતને ભેટનાર મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગની ઘટના અંગે વડાપ્રધાને ટિ્‌વટ કરતા તે બાદ તંત્ર દોડતું થયું હતું.

 

 

કાપડના ગોડાઉનમાં કામ કરતાં માતાનું મોત; પુત્રી ગંભીર

આગની ઘટના બની ત્યારે કાપડના ગોડાઉનમાં કેટલાક લોકો પેકિંગની કામગીરી કરી રહ્યા હતા. જે પૈકી નજમુન્નિશા શેખ નામના ૩૦ વર્ષના મહિલા અને તેમની પુત્રી રીઝવાના પણ કામ કરતા હતા જે બંને ગંભીર રીતે ઇજા પામતા તેમને એલ.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં માતાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પુત્રી રીઝવાના સારવાર હેઠળ છે. આ દુર્ઘટનામાં એક યુવાનને પગ ગુમાવવાનો વારો આવ્યો છે. એલજી હોસ્પિટલમાં દાખલ એક દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું કે ગગનભેદી ધડાકાનો અવાજ થતાં અમે તે તરફ દોડ્યા હતા. બહાર જઈ જોયું તો આગ ફાટી નીકળી હતી, તપાસ કરતા મારા માસી જ્યાં કામ કરતા હતા તે ગોડાઉનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના ગોડાઉનોની છત અને પિલ્લરો ભૂક્કો થઈ ગયા હતા. જેમાં મારા માસી પણ દટાઈ ગયા હતા

 

કેમિકલ ફેક્ટરીનું શ્રમ મંત્રાલયમાં કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ન હતું

આગની દુર્ઘટના બની એ ફેક્ટરી ગોડાઉન ભાડે રાખી ચલાવવામાં આવતી હતી રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ જગ્યાએ કોઈપણ પ્રકારની ફેક્ટરીનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી. તેમ છતાં શ્રમ અને રોજગાર મંત્રાલયનાં અધિકારીઓને તપાસ માટે ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. કાપડનો જે ગોડાઉન પણ આગમાં લપેટાઈ ગયું હતું તેના માલિકના જણાવ્યા અનુસાર મારા ગોડાઉનમાં બ્લાસ્ટ થાય તેવું કાંઈ ન હતું. મારા ગોડાઉનમાં આગ લાગી ત્યારે ૩૦ કર્મચારીઓ પેકિંગની કામગીરી કરતા હતા.

 

 

આગ દુર્ઘટનાના અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપો અને જવાબદારો સામે કાર્યવાહી કરો : તોફીકખાન પઠાણ

પીપળજ નજીક કેમિકલના ગોડાઉનમાં લાગેલી આગની દુર્ઘટના અંગે મ્યુનિસિપલ વિરોધ પક્ષના નેતા તોફીક ખાન પઠાણે જણાવ્યું હતું કે આગની ઘટના અંગે જવાબદારો સામે કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ. ઉપરાંત જે લોકો મોતને ભેટયા છે, તેમના પરિવારજનોને યોગ્ય વળતર મળવું જોઇએ તથા ઇજાગ્રસ્તોને પણ પુરતી સહાય મળવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં ફાયર એન. ઓ. સી. વિના અનેક ફેક્ટરીઓ, કારખાનાઓ અને એકમો ધમધમી રહ્યા છે, તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ અને ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. ભૂતકાળમાં તથા નજીકના સમયમાં જ આગની અનેક ઘટનાઓ બની છે, પરંતુ હજી સુધી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થઇ નથી.