અમદાવાદ, તા. ૨૯
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન,હોસ્પિટલોના ડોકટરો બાદ આજે મહિલા મામલતદારને કોરોના સંકજામાં સપડાયા છે. આ સમાચારથી સાથીદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જેથી કલેકટરે કચેરીમાં આવતાં મુલાકાતીઓ અને કર્મચારીઓનું સઘન ચેકીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સોલા સિવિલની ટીમ દ્રારા કલેકટર કચેરીના પ્રવેશ દ્રાર પર જ થર્મલ ગન, સહિતના જરૂરી સાધનોથી ચકાસણીથી લઇને કર્મચારીઓનું હેલ્થ ચેકઅપનું કાર્ય શરૂ કરાયુ છે. કલેકટર કચેરીમાં સાબરમતી વિસ્તારના મામલતદાર તરીકે ફરજ બજાવતાં અનિતાબેનને કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેમની સાથે કામગીરી કરનારા સાથી કર્મચારીઓમાં ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. કલેકટર કચેરીમાં કામગીરી અર્થે સંખ્યાબધ્ધ લોકો મુલાકાત લેતાં હોય છે. આ મુલાકાતીઓની અવરજવરના કારણે કર્મચારીઓ કોરોનાના સંકજામાં ના સપડાય તે હેતુથી કડક ચેકીંગની કાર્યવાહી હાથ ધરાઇ છે. અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે. નિરાલાએ જણાવ્યું છે કે, કોરોનાની મહામારીથી બચવા માટે સાવધાની રાખવા જરૂરી છે. તેમ જ જો જરૂર ના હોય તો કલેકટર કચેરીએ આવવાનું ટાળવું જોઇએ. ઇમરજન્સી સિવાય કચેરીમાં નહીં આવવા તેમણે પ્રજાને અપીલ કરી છે. કલેકટર કચેરી ખાતે કોરોના સંબંધિત ચેકીંગ કરવા ઉપરાંત તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું.