(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪
આજે જ્યારે સર્વત્ર લોભ-લાલચ અને પારકાનું પચાવી જવાની વૃત્તિ વધી રહી છે ત્યારે કિંમતી સામાન અને સારી એવી રોકડ સાથેનો ભૂલથી આવી ગયેલો થેલો અમદાવાદના તેના મૂળ માલિકને પરત કરી જામનગરના શખ્સે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જેની વિગત એવી છે કે અમદાવાદ ખાતે હજ-ઉમરાહ ટૂરના વર્ષો જૂના ઓપરેટર હાજી મો. ફારૂક મુન્શી ઉમરાહની ટૂર સફળતાપૂર્વક પૂર્ણ કરીને તાજેતરમાં અમદાવાદ પરત આવ્યા હતા ત્યારે એરપોર્ટ ઉપર જામનગરથી અલઅરફાત ટૂર્સના સંચાલક નવાઝ મન્સુરીના સામાન સાથે અમદાવાદના મુન્શી ફારૂકભાઈની બેગ ચાલી ગઈ હતી. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ તથા કિંમતી સામાન હતો. જે ગુમ થતાં સરદારનગર પોલીસ તથા એરપોર્ટ સત્તાધીશોને જાણ કરી હતી. દરમિયાન જામનગરના ટૂર સંચાલકના ઉમરાહના તમામ પેસેન્જરો પોત પોતાનો સામાન લઈ જતા એક બેગ બચી હતી. જે અંગે પેસેન્જરોને પૃચ્છા કરતા તમામે પોતાની બેગ ન હોવાનું જણાવ્યું હતું ત્યારે જામનગરના ઉમરાહ ટૂર ઓપરેટર નવાજ મન્સુરી તથા અલ્તાફભાઈ કાજીએ બેગ ખોલતા તેમાં રોકડા રૂપિયા તથા અન્ય ડોક્યુમેન્ટ જોતા તેમાં રહેતા અલ-ફારૂક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કાર્ડ જોતા ટૂરસંચાલક હાજી યાકુબભાઈનો ટેલિફોનિક સંપર્ક કરી બેગની પૃચ્છા કરી હતી અને પોતાના સામાન સાથે ભૂલથી આવી ગયાનું જણાવતા તેમને હાશકારો થયો હતો.
આજના અપ્રામાણિકતાના દોરમાં જામનગરના મન્સુરી અને કાજી બંધુ જાતે બેગ લઈને અમદાવાદ ખાતે તેના મૂળ માલિકને પરત કરી હતી. આજની સલામ પ્રામાણિકતાના આ બે પ્રતિકો ને !