વડોદરા, તા.૪

અમદાવાદની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં ગુનેગારો સામે ગુનો દાખલ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માયનોરિટી વિભાગના વાઈસ ચેરમેન ચિરાગ શેખે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં ૮ દર્દીઓનાં મોત નિપજ્યા હતા. મૃતકોના પરિવારજનોને આજ સુધી ન્યાય મળ્યો નથી. હોસ્પિટલના સંચાલકોને રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુ. કોર્પો., પોલીસ તંત્ર, કલેક્ટર સહિતના વિભાગે છાવરી રહ્યા હોવાનો મૃતકોના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. મુખ્યમંત્રીને લખેલ પત્રમાં પક્ષાપક્ષીથી દૂર રહી અગ્નિકાંડમાં જવાબદાર લોકો સામે કલમ ૩૦૪ સહિત અન્ય કલમો લગાડી ગુનો દાખલ કરી મૃતકોના પરિવારજનોને ન્યાય આપવા તથા ગુનેગારો સામે હિંમતભેર પગલાં ભરી પ્રજાને ન્યાયિક સંદેશો આપવો જોઈએ. આવી ગંભીર ઘટના બાબતે વિરોધ પ્રક્ષોએ લડત આપવી જોઈએ. પીડિતોની લડાઈમાં ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તથા ઈમરાન ખેડાવાલા સાથ આપી રહ્યા છે. જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ ગુનેગારોને સજા આપવા માંગ કરવી જોઈએ. પરંતુ કોંગ્રેસ પક્ષ મૌન છે જે ખૂબ જ દુઃખદ બાબત છે.