(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૪
ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ફોર્ચ્યુનર ગાડી ચોરતી આંતરરાજ્ય ગેંગના એક આરોપીને મોડાસા ટાઉન પોલીસે બાતમીના આધારે ચાર રસ્તા ખાતેથી સ્વીફ્ટ કાર સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અમદાવાદ બાપુનગર નવલખો બંગલામાં રહેતો સંજય વિનોદસિંહ ભદોરિયા અન્ય લક્ઝુરિયસ કાર ચોરી કરતા ત્રણ શખ્સો સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ફોર્ચ્યુનર કારની ચોરી કરતા હતા. સંજય ભદોરિયા મોડાસા શહેરના કલ્પતરૂ સોસાયટીમાંથી પણ ફોર્ચ્યુનર કારની ચોરીનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. ટાઉન પોલીસે આંતરરાજ્ય ગેંગના અન્ય ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મોડાસા ટાઉન પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે થોડા મહિના અગાઉ મોડાસામાંથી ફોર્ચ્યુનર ગાડી ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સંજય વિનોદસિંહ ભદોરિયા સ્વીફ્ટ કારમાં મોડાસા ચાર રસ્તા થઈ રાજસ્થાન તરફ જવાનો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે તાબડતોડ મોડાસા ચાર રસ્તા પર નાકાબંધી કરી બાતમી આધારિત સ્વીફ્ટ કાર (ગાડી.નં-જીજે-૨૭-બીએસ-૪૯૬૪) પસાર થતાં કોર્ડન કરી અટકાવી સંજય ભદોરિયાની ધરપકડ કરી મોડાસા શહેરમાંથી ચોરી થયેલ ફોર્ચ્યુનર ગાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો. મોડાસા શહેરમાં ફોર્ચ્યુનર ગાડી ચોરીની ઘટનામાં સંડોવાયેલ ઉત્તરપ્રદેશ-આગ્રા નજીક ઉમરેઠા ગામના પ્રવિણસિંહ અજયપાલ ભદોરિયા તેમજ કાલુ નામનો અને અન્ય એક અજાણ્યો ગેંગના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અમદાવાદના સંજય ભદોરિયાને કાર સાથે ઝડપ્યો ફોર્ચ્યુનર ગાડી ચોરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરતી મોડાસા પોલીસ

Recent Comments