અમદાવાદ, તા.૩
ઓસ્ટ્રેલિયા ખાતે તાજેતરમાં યોજાયેલી ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટસ ફેડરેશન (આઈએસએસએફ) ૧૦ મીટર એર રાઈફલના જુનિયર વિશ્વકપમાં ગોલ્ડ મેડલ મેળવનાર અમદાવાદની શૂટિંગ પ્લેટર કુ. ઈલાવેનીલ વાલરીવનનો સન્માન-શુભેચ્છા સમારોહ આજે અનંત યુનિવર્સિટી, સંસ્કારધામ ખાતે યોજાયો હતો. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે કુ. ઈલાવેનીલનું સન્માન કર્યું હતું. કુ. ઈલાવેનીલને સન્માનતા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની શક્તિદૂત યોજનાની સ્પર્ધક લાભાર્થી કુ. ઈલાવેનિલે ગુજરાત જ નહીં દેશ આખાને ગૌરવ અપાવ્યું છે. રાજ્યના યુવા ખેલાડીઓની પ્રતિભા-કૌશલ્યને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિઓ મળે તે માટે ખેલ મહાકુંભનું આયોજન પ્રતિવર્ષ થાય છે. ડીએલએસએસ યોજના અંતર્ગત સંસ્કારધામને રમત-ગમતની તાલીમ માટે રૂા.પ.૮૧ કરોડની સહાય અપાઈ છે. આ સંસ્થાએ પણ વિદ્યાર્થીઓના રમતગમત કૌશલ્યને ઉજાગર કરવા સરાહનીય કામગીરી કરી છે. રાજ્યના મહત્તમ ખેલાડીઓ આવી સિદ્ધિ હાંસલ કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.