અમદાવાદ, તા.૧પ
કોરોનાના કપરા કાળમાં અમદાવાદની એક મહિલાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને નવજીવન આપવામાં આવ્યું છે. પીપીઈ કિટ પહેરીને કોરોના કાળમાં ગજરાતનું પ્રથમ અને દેશનું બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. મહિલાનું હૃદય માત્ર ર૦ ટકા જ કામ કરતું હતું ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો. ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા મહિલાને નવી જિંદગી મળી છે. વિગતવાર વાત કરીએ તો ‘અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના ૩૫ વર્ષીય સાક્ષીતાબેનને છેલ્લા દસ વર્ષથી હૃદયની તકલીફ હતી. સાક્ષીતાબેનનું હૃદય માત્ર ૨૦ ટકા કામ કરી રહ્યું હતું. સરકારી તથા ખાનગી હૃદય-હોસ્પિટલમાં બતાવતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ગુજરાતમાં માત્ર સિમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો જે ખર્ચ કહેવામાં આવ્યો તે સાક્ષીતા બેનના પરિવાર માટે આર્થિક ક્ષમતા બહાર હતો. આવા કપરા સમયે સાક્ષીતાબેનના પતિ પંકજભાઈને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મદદ મેળવી શકાય છે તેવી જાણ થઈ. પંકજભાઈએ મુખ્યમંત્રીના કાર્યાલયમાં અરજી કરતાં નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી. પંકજભાઈને જલ્દીથી આર્થિક સહાય મળે તે માટે સ્થાનિક ધારાસભ્યએ પણ સંકલન સાધી મદદ કરી. સત્વરે આર્થિક સહાયની જોગવાઇ થતાં સાક્ષીતાબેનનું ઓપરેશન સફળતાપૂર્વક સત્વરે પૂરૂં કરી શકાયુ.’ મધ્યમ વર્ગીય સાક્ષીતાબેનું ઓપરેશન મુખ્યમંત્રીના સંવેદનશીલ અભિગમને પગલે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. સાક્ષીતાબેનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબ ડૉ. ધીરેન શાહે જણાવ્યું હતું કે, આ ગુજરાતનું ૧૦મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે. સાક્ષીતાબેન હૃદયની બીમારીથી પીડાતા હતા. સાક્ષીતા બેનને થોડા વર્ષો પહેલા પ્રસૂતિના સમયે હૃદય પર ગંભીર અસર થઇ હતી જેના કારણે સાક્ષીતાબેનના હૃદયની કાર્યક્ષમતા સતત ઘટી રહી હતી. તેઓનું હૃદય માત્ર ૨૦ ટકા કામ કરી રહ્યું હતું આવા સમયે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ એક માત્ર ઉપાય હતો. મધ્યમ આર્થિક પરિસ્થિતિના પંકજભાઈને સમયસર સરકાર તરફથી સહાયની જોગવાઇ થતાં તેઓ ઓપરેશન કરાવી શક્યા છે.
ડૉ. ધીરેને વધુમાં જણાવ્યું છે કે પી.પી.ઇ. કીટ પહેરીને કરાયેલું કોવિડ એરાનું ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હતું. જેમાં ઓપરેશન પહેલા તબીબ અને પેરામેડિકલ સ્ટાફ સહિત ૩૫ જેટલા કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેથી દર્દીને સંક્રમણથી બચાવી શકાય.