(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, કોઈપણ વ્યક્તિને શરદી-તાવ, ખાંસી સહિતના લક્ષણો દેખાય કે કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ગણાવી તેને સીધી આઈસોલેશન વોર્ડમાં ધકેલી દેવાય છે. અમદાવાદમાં પણ નવરંગપુરાની એક મહિલાને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેણીને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના લોહીના નમૂના તપાસીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજરોજ એક મહિલા શરદી, ઉધરસ અને તાવની દવા લેવા માટે આવી હતી. જો કે, ફરજ પરના ડૉક્ટરોએ તપાસ કરતા કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા મહિલાને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. તેના લોહી, બાલ સહિતના તમામ નમૂના લઈ તપાસાર્થે મોકલી આપવામાં આવ્યા છે. જો કે, તેના રિપોર્ટ મળતા બે દિવસનો સમય લાગશે ત્યાં સુધી મહિલાને આઈસોલેશન વોર્ડમાં જ સારવાર અપાશે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર કરવી કે કેમ ? તે નક્કી કરાશે. જાણવા મળ્યા મુજબ નવરંગપુરામાં રહેતી ર૩ વર્ષની મહિલા સિંગાપુરના પ્રવાસે ગઈ હતી. ત્યાંથી પરત આવ્યા બાદ તેનામાં શરદી, તાવ, ખાંસીના લક્ષણો જણાયા હોવાથી તેને શંકાસ્પદ કેસ તરીકે દાખલ કરવામાં આવી છે.
સિંગાપુર-થાઇલેન્ડના યાત્રી માટે અલગ એરોબ્રિજ
અમદાવાદ એરપોર્ટ પર કામ કરતા સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીની ફરજિયાત તપાસ કરવામાં આવી રહી છે. સિંગાપુર-થાઇલેન્ડનાં યાત્રી માટે અલગ એરોબ્રિજ ગોઠવવામાં આવી છે. સિંગાપુર-થાઇલેન્ડથી આવતા યાત્રી માટે અલગ વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ મુસાફરો માટે હેન્ડસેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૫૮૨ મુસાફરોને સ્ક્રિનિંગ કરાયા : આરોગ્ય કમિશનર
રાજ્ય આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ કોરોના વાયરસ અંગે જણાવ્યું હતું કે, રાજ્યના જિલ્લામાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં ૧ હજાર ૫૮૨ મુસાફરો બહારથી આવ્યા તેમના સ્ક્રિનિંગ કરવામાં આવ્યા છે અને જે પૈકી ૨૫ સેમ્પલ લેવામાં આવ્યા તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે કોરોના વાયરસનો રિપોર્ટ બીજે મેડિકલમાં થઈ શકશે.
પાંચ ટાઈમ નમાઝ પઢનાર શખ્સો ગમે તેવા જીવલેણ વાયરસથી બચી શકે
કોરોના વાયરસ અત્યંત ચેપી રોગ છે. આથી આ રોગથી બચવા દિવસ દરમિયાન વારંવાર હાથ અને મોંઢુ ધોવાની સલાહ આપવામાં આવે છે. આ અંગે એક દિનદાર સદગૃહસ્થે જણાવ્યું છે કે, જે મુસલમાન દિવસમાં પાંચ ટાઈમ નમાઝ પઢતો હોય તો તે કોરોના તો શું ભયંકરમાં ભયંકર ચેપી રોગથી પણ બચી શકે છે. કારણ કે, દિવસમાં પાંચ સમય નમાઝ પઢવા પાંચવાર વુઝુ કરવામાં આવે છે. દરેક વુઝુ વખતે ત્રણ-ત્રણ વાર હાથ, મોંઢુ, પગ ધોવામાં આવે છે. પરિણામે એક વ્યક્તિ દિવસમાં પંદર વાર શરીર સાફ કરતો હોય તેને કઈ રીતે ચેપ લાગી શકે ? આ બાબત દરેકે દરેક મુસલમાન ભાઈ-બહેનો સમજી નમાઝની પાબંદી કરે તો ઘણો ફાયદો થાય તેમ છે.
રાજ્યમાં કોરોના વાયરસનો એક પણ કેસ નહીં, છતાં સરકાર એલર્ટ : મંત્રી
ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ નથી, છતાં સરકાર આ મામલે એલર્ટ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને અગમચેતીના પગલારૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આજ દિન સુધી ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ જણાયો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ સારવાર લઇ શકે એ માટેનો ખાસ આઇસોલેશન વોર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.
Recent Comments