• અગ્નિકાંડનો ઘટનાક્રમ શંકા જન્માવે તેવો અને અનેક સવાલોના જવાબો મળ્યા નહીં હોવાથી સચ્ચાઈ બહાર લાવવા તટસ્થ તપાસની માંગ કરતાં પીડિતો • આગ લાગવા અને પીડિતોના પરિવારોને જાણ કરવા વચ્ચે લાંબા સમયનું અંતર હોવાથી સૌથી મોટી શંકા

અમદાવાદ, તા.ર
દેશભરમાં ચકચાર જગાવનાર અમદાવાદના શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં ન્યાયની રાહ જોઈ રહેલા પીડિત પરિવારોએ હવે આ દુર્ઘટનાની સચ્ચાઈ બહાર લાવવા માટે સીબીઆઈ તપાસની માંગ કરી છે. એટલું જ નહીં પણ આઠ-આઠ માનવ જિંદગીઓને ભરખી જનારી આ ઘટના અંગે કલમ ૩૦૨ હેઠળ પણ ફરિયાદ દાખલ કરવાની માંગ ઊઠી છે. પીડિત પરિવારે જણાવ્યું હતું કે, આ અગ્નિકાંડનો સમગ્ર ઘટનાક્રમ શંકા જન્માવે તેવો છે અને અનેક મુદ્દા એવા છે જેમાં યોગ્ય જવાબ મળવો કે ખુલાસો થવો જરૂરી છે. પીડિત પરિવારો દ્વારા કેટલાક બનાવો સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. જે આ મુજબ છે. તમામ દર્દીઓના મોબાઈલ ફોન બનાવ પહેલેથી જ હોસ્પિટલ વાળાઓએ લઈ લીધા હતા કે જેથી આગ જોઈ કોઈ પેશન્ટ તેમના સગાને જાણ કરી બોલાવી ના શકે, દર્દીઓ ૭૦%થી ૯૦% દાઝી ગયા હતા તો મોબાઈલ ફોન કેમ નવા નક્કોર ચાલુ હાલતમાં છે ?, ફક્ત એક દર્દીને બનાવના સાડા ચાર કલાક બાદ શ્રેય હોસ્પિટલના સ્ટાફે ફોન આપ્યો અન્ય મોબાઈલ શ્રેય હોસ્પિટલમાં નોકરી કરતા સ્ટાફ પાસે અને પોલીસ પાસે છે, મનુભાઈ ઈશ્વરભાઈ રામીના મોબાઈલ ઉપર તેમની ભત્રીજી પૂનમે તા.૪/૮/૨૦૨૦ના રોજ પોતાના મોબાઈલ ઉપરથી ફોન મરણ જનાર સાથે વાત કરેલી. બનાવના બે દિવસ બાદ તા.૮/૮/૨૦૨૦ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો કે તમે મૃતકને કઈ રીતે ઓળખો છો અને ફોન કેમ કરેલ ?, અન્ય એક પીડિત લીલાવતીબેન શાહના દીકરાએ બનાવના આશરે ૧૨ કલાક બાદ ફોન કર્યો તો તે ફોન હોસ્પિટલમાં નોકરી કરનારની માતાએ ઉપાડ્યો અને ત્યારબાદ બંધ કરી દીધો, બનાવનો ભોગ બનનાર આયેશાબેન તિરમીઝીનો ફોન બનાવના છેક ૩૬ કલાક સુધી ચાલુ હતો અને ત્યારબાદ બંધ થયો હતો. અન્ય ફોન હજુ “કાયદેસર પોલીસને મળ્યા નથી” છતાંય ફોન તો પોલીસ પાસે હોવાની પૂરે પૂરી શંકા છે, આઈ.સી.યુ.માં કુલ ૪ સી.સી.ટી.વી. કેમેરા હતા પરંતુ પોલીસ ફક્ત એક જ કેમેરા ઉપર ધ્યાન આપે છે અને કહે છે કે, અન્ય કેમેરા બંધ હાલતમાં હતા ! શું જ્યારે પણ પોલીસ આરોપીને બચાવવા ઈચ્છે છે ત્યારે તે એન્ગલનાં કેમેરા બંધ થઈ જાય છે ? પછી એ પોલીસ કસ્ટડીમાં ટોર્ચરનો કેસ હોય કે ભોપાલ જેલના ભાગેડુ આરોપીઓનો ફેક એન્કાઉન્ટર કેસ હોય, કેમેરા તો બગડી ગયાનો બચાવ કરાય છે ! પોલીસ આઈ.સી.યુ.ના ફકત એક જ કેમેરા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને જેમાં આગ લાગેલ તે બેડ નં.૯ દેખાય છે પરંતુ કેમેરા અને બેડ વચ્ચે જાડો પડદો હોવાને કારણે ફક્ત આની લાઈટ દેખાય છે. એટલે આગ કઈ રીતે લાગી ? ત્યાં કોણ ગયું હતું ? પડદો કોણે મૂકી દીધો હતો ? વળી રાત્રે ૩ વાગે પડદો પેશન્ટ આગળ કેમ મૂક્યો હશે ? શ્રેય હોસ્પિટલના ભરતભાઈ મહંતના પિતા મહંત વિજયદાસજી કોંગ્રેસના મંત્રી હતા અને માધવસિંહ સોલંકીના જમણો હાથ કહેવાતા હતા અને માટે જ આજે કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારો પલળેલી બિલાડીની જેમ ટેબલ નીચે સંતાઈ ગયા છે કારણ કે, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાનો સિતારો હજુ ચમકે છે ! હજુ માંડ દોઢ વર્ષ પહેલાં ભાજપમાં જોડાનાર ભારત મહંતને ભાજપે બચાવવાના સમ લીધા છે, પીડિતોને પૂરેપૂરો ડર છે કે, તટસ્થ તપાસ થતી નથી અને થશે પણ નહીં. પોલીસ હોસ્પિટલના સ્ટાફ કે ડૉક્ટરોના નિવેદનો લઈ આરોપીને બચાવવા પ્રયાસ કરે છે અને કરશે. આઈ.સી.યુ.માં ડોક્ટરના ટેબલ ઉપર ફક્ત એક જ સેનિટાઈઝર હોવાનું નજરે જોનાર પીડિતો કહે છે જ્યારે યેન-કેન પ્રકારે બચાવવા ડોક્ટર પાસે એવું કહેવડાવવા માંગે છે કે, દરેક બેડ ઉપર સેનિટાઈઝર હોવાને કારણે આગ તો લાગે અને આગને વેગ પણ મળે, બનાવ તા.૬/૮/૨૦૨૦ના રોજ રાત્રે ૩ઃ૦૩ વાગે બનેલ છે. એક પણ દર્દીને હોસ્પિટલવાળાઓએ ૭ વાગે પહેલાં જાણ નહોતી કરેલ અને એક પણ એક દર્દીના સગાવ્હાલાએ રાત્રિએ નોકરી કરતા ડૉ.ઈમરાનખાન પઠાણ, (રહે. જુહાપુરા)નાઓને સવારે ૬ઃ૨૮ વાગે પૂછતા આ ડૉક્ટરે ડરતા-ડરતા બનાવ અંગેની વાત કરી હતી. આ ચાર કલાક દરમ્યાન આરોપીઓએ બનાવ સ્થળે તેમજ અન્ય પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો તે દિશામાં પોલીસને તપાસ કરવી જ નથી. જ્યારે કોઈ જવાબ લખાવા જાય તો પોલીસ ફક્ત અકસ્માત થયેલ હોવાનું જણાવી પોતાની મરજી મુજબ જવાબ લખી ભગાડી દે છે, લોકોને ગેરમાર્ગે દોરવા “ઈન્કવાયરી કમિશન” નીમી દીધું. જસ્ટિસ કે.એ.પુજ કે જેમને અગાઉ ગુજરાત સરકારે ૩ કામ સોંપ્યા હતા. એક તો જસ્ટિસ કે.એ.પુજને વેટ-વેચાણ વેરા ટ્રિબ્યુનલના ચેરમેન, ત્યારબાદ ગુજરાત રાજ્ય ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમેન અને પાટીદાર આંદોલન વખતે પાટીદારો ઉપર થયેલ પોલીસ દમન અંગે કમિશનના ચેરમેન આટલું ઓછું હતું કે હવે તેજ નિવૃત્ત જજને આ શ્રેય હોસ્પિટલ કેસ સોંપાયો, જે ફક્ત લોકોની આંખમાં ધૂળ નાંખવા જેવું કૃત્ય છે. સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં કેમ સી.બી.આઈ.ને તપાસ સોંપાઈ ? ત્યાં કમિશન નીમવું હતું ને !, કુલ આઠ નિર્દોષ દર્દીઓ રાત્રે ૩ વાગે ઊંઘી ગયા હતા. ત્યારે આ રીતે આગ લાગે છે અને પોલીસ તેમજ સરકાર આરોપીઓને બચાવવા પ્રયાસ કરે છે અને લોકો સાથે હળ હળતો અન્યાય થશે તો તે ક્યાં સુધી ચાલશે ?, એમ પીડિત પરિવારો પૂછી રહ્યા છે. વળી ઈ.પી.કો. કલમ ૩૦૪-ભાગ ૨ મુજબ ગુનાની એફ.આઈ.આર. થવી જોઈતી હતી. છતાંય આરોપીને મદદ કરવા સાવ નબળો કેસ બનાવી મદદ કરાય છે એવો આરોપ લગાવાયો હતો. બનાવના આશરે ૭ કલાક બાદ સવારે ૧૦ વાગે ગુજરી જનાર આરીફ મન્સુરીનો મોબાઈલ શ્રેય હોસ્પિટલના એક માણસે પરત આપેલ જ્યારે ગુજરી જનાર આયેશાબેન તિરમીઝીના મોબાઈલ ઉપર તેમના દીકરા આસીમે સવારે ૫ઃ૩૦ વાગે પોતાની માતાને પ્રોત્સાહિત કરવા પોતાનો વીડિયો બનાવી મોકલેલ જે વીડિયો ગુજરી જનારના મોબાઈલ ઉપર ડિલિવર થયેલ એટલે બે ટિક માર્કનું નિશાન આવેલ તેમજ ફક્ત બનાવના દિવસ ૬ ઓગસ્ટના રોજ નહીં. પરંતુ ૭મી ઓગસ્ટના દિવસે સાંજે ૪ વાગે સુધી ગુજરી જનાર આયેશાબેનના મોબાઈલમાં રિંગ વાગતી હતી !, જો આઈ.સી.યુ. તદ્દન રાખ થઈ ગયું હોય અને દર્દી ૭૦%થી ૮૦% બળી ગયા હોય તો બધાના મોબાઈલ ફોન કેમ બચી ગયા ? તા.૨૪/૮/૨૦૨૦ના રોજ આ વાત તપાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલને નવરંગપુરા પોલીસ સ્ટેશને કરતા તેમણે કહ્યું, કોઈના મોબાઈલ પોલીસે આઈ.સી.યુ.માંથી કબજે લીધા નથી ! આમ દેખીતી રીતે બનાવ પહેલાં આઈ.સી.યુ.ના તમામ દર્દીઓના મોબાઈલ તેમજ સોનાની ચેનવાળું મંગલસૂત્ર હોસ્પિટલના સ્ટાફે લઈ લીધા હતા ! જેનો અર્થ એજ થાય કે રાત્રે ૩ વાગે જ્યારે તમામ દર્દીઓ દેખીતી રીતે નિદ્રામાં હતા ત્યારનો જ સમય નક્કી કર્યો અને ત્યારબાદ અચાનક આગ લાગી ! આ મોબાઈલ તેમજ દાગીના ચોરી થયા બાદ જ આગ લાગી તે તો દેખાઈ આવે છે પરંતુ પોલીસ ગમે તે કારણે આ દિશામાં તપાસ કરવાનું ટાળે છે જે તેમની ઉપરથી પોલીસ તપાસ ઉપર પ્રશ્ન ઊભા થયા છે.