અમદાવાદ, તા.૧૯
અમદાવાદની અને એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ હવે દર્દીઓના મૃત્યુઆંકમાં પણ સૌથી મોટીનું બિરૂદ મેળવી રહી છે. સિવિલ સહિત અન્ય સરકારી હોસ્પિટલોમાં મૃત્યુઆંક સતત ઉંચે જઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ કોરોનાના દર્દીઓને હાર્ટ, કીડની, કેન્સર, ન્યુરો જેવી અન્ય બીમારીઓની સારવાર આપવામાં આવતી નથી. આથી આ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ગંભીર બેદરકારી દ્વારા માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને પત્ર લખી સતત વધી રહેલા આ મૃત્યુઆંકની તપાસ કરવા વિનંતી કરી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સેક્રેટરી જનરલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જયદીપ ગોવિંદને લખેલા પત્રમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં કોવિડ-૧૯ના સતત વધતા જતાં કેસો વચ્ચે સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન ઘોર બેદરકારીના, હેરાનગતિના કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે. યોગ્ય સારવારનો અભાવ, દર્દીઓના સગાઓને કોઈપણ પ્રકારની માહિતી અપાતી નથી. સારવાર દરમિયાન દર્દીના મૃત્યુની તેના સગાઓને સમયસર જાણ કરાતી નથી. દર્દી દાખલ ન હોવા છતાં શોધવા પડે, સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીનો મૃતદેહ રોડ પર રઝળતો મળે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરના રહીશો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જતા ખૂબ જ ભય અનુભવી રહ્યા છે. મેડીકલ પ્રોટોકોલ મુજબ દર્દીની સારવાર કરવામાં આવતી નથી જે ખૂબ જ ચિંતાજનક બાબત છે અને માનવ અધિકારના હનન સમાન છે. નવી દિલ્હી, એઈમ્સના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ.મનિષ સુરેજાએ હાલમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓને પણ દર્દીની સારવારમાં અને સાધનોમાં અનેક ખામીઓ જણાઈ આવી હતી. કોવિડ-૧૯ના દર્દીઓની સિનિયર ડૉક્ટરો દ્વારા દેખરેખ રાખવામાં આવતી નથી. તેઓએ દર્દીઓની તમામ જવાબદારી જૂનિયર તેમજ રેસિડેન્ટ ડૉક્ટરો ઉપર છોડી દીધી છે. અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન ૩ર૦થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. સોલા સિવિલમાં અત્યાર સુધી રપ જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જે રીતે મૃત્યુઆંક વધી રહ્યો છે તે ચિંતાજનક છે અને ત્યાં અપાતી સારવારમાં કોઈ સૂચક ખામી હોય તે તરફ ઈશારો કરે છે. તાજેતરમાં રાજકોટની કંપનીએ ધમણ-૧ નામનું સ્વદેશી વેન્ટીલેટર બનાવ્યું હતું જે કોરોનાની સારવારમાં ઉપયોગી નથી તેવું જાહેર કરી દેવાયું છે તો કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓમાં આ વેન્ટીલેટરનો ઉપયોગ થયો હતો અને તેને અને સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોતને કોઈ લેવા-દેવા છે કે કેમ તે પણ તપાસનો મુદ્દો છે. સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડની અંદર ગંભીર દર્દીઓની સારસંભાળ લેવા કોઈ પણ કર્મચારીઓ હાજર હોતા નથી. ઘણા કિસ્સાઓમાં તો ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને જાતે જ ઓક્સિજન માસ્ક દૂર કરી કુદરતી હાજતે જવું પડે છે તથા ટોઈલેટ બાથરૂમમાં પટકાઈ જવાથી દર્દીઓના મૃત્યુ નિપજ્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.