અમદાવાદ, તા.૧પ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાત વર્ષની બાળકી પર અભૂતપૂર્વ સર્જરી કરી મોતના મુખમાં ધકેલાઈ રહેલી બાળકીને નવજીવન બક્ષ્યું હતું. આ બાળકીના પેટ પર ટ્રેક્ટર ફરી વળતા લીવર અને ફેફસાંનો કુચો વળી ગયો હતો. તેમ છતાં ડૉક્ટરોએ અથાગ મહેનત કરી ઓપરેશન હાથ ધરી બાળકીને હસતી-રમતી કરી દીધી હતી.
બનાવની વિગત જોઈએ તો અમદાવાદના વિંઝોલમાં રહેતી ૭ વર્ષની રોશની જ્યારે પોતાના ઘરે પરત ફરતી હતી તે દરમિયાન એકાએક ટ્રેક્ટર તેની તરફ ઘસી આવતાં તેના પેટ પર પૈડું ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના પિતાને આ વાતની જાણ થતાં જ તેને તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રોશનીને જ્યારે ૩૦મી સપ્ટેમ્બરે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે લાવવામાં આવી ત્યારે અત્યંત ગંભીર અવસ્થામાં હતી. તેના પેટના ભાગમાંથી સતત રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો જેને કાબૂમાં લેવો અત્યંત જરૂરી હતું. રોશનીનો સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યા બાદ લીવરના ભાગમાં તેમજ ડાબી બાજુના ફેફસાંમાં અતિ ગંભીર ઈજા થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. તેના પેટમાંથી થઈ રહેલા રક્તસ્ત્રાવને રોકવા માટે તેની સર્જરી કરવી પડી હતી. સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબ મૌલિક મહેતા અને તેમની ટીમ સાથે સિવિલ સંકુલની કિડની હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત તબીબ ડૉ.વૈભવ સુતરિયાના માર્ગદર્શન હેઠળ સાત વર્ષીય રોશનીની સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ સર્જરી કે જેને હિપેટેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે જેમાં દર્દીના લીવરનો અમૂક ભાગ કાપી નાખવામાં આવે છે. ૭ વર્ષીય રોશની પર આ સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ સર્જરી સતત વહેતો રક્તસ્ત્રાવ તેમજ અન્ય ભાગ પર ઈન્ફેક્શન થતું અટકાવવા માટે ખૂબ જ જરૂરી હતી. જેથી હિપેટેક્ટોમી કરીને રોશનીને પીડામુક્ત કરવામાં આવી. તેની સાથે ફેફસાંમાં થયેલી ઈજાની સારવાર માટે ત્યાં એક નળી મૂકવામાં આવી હતી. સર્જરી વિભાગના આસિસટન્ટ પ્રોફેસર ડૉ.મૌલિક મહેતા કહે છે કે, સિટી સ્કેનના રિપોર્ટમાં રોશનીના ડાબી બાજુના લીવરનો ભાગ સંપૂર્ણપણે કાળો પડી ગયો હોવાનું માલૂમ પડ્યુ હતું. ઈમરજન્સી સ્થિતિમાં લોહી ચઢાવ્યા બાદ પણ જોઈએ તે પ્રમાણમાં સુધારો થઈ રહ્યો ન હતો. તેના પેટના ભાગમાં દુખાવો વધવા માંડ્યો હતો અને હિમોલ્ગોબિન પણ ઓછું થઈ ગયું હતું. ડૉક્ટરનું કહેવું છે કે, રોશનીના લિવરનો અમૂક ભાગ કાપી નાંખવામાં આવ્યો છે. જે ૨થી ૩ મહિનામાં કુદરતી રીતે પૂર્વવત થઈ જશે. હાલ સર્જરીના ૧૨ દિવસ પછી રોશની સંપૂર્ણપણે સ્વસ્થ છે. સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં આ સૌપ્રથમ ઘટના હોવાનું ડૉ. મૌલિક મહેતાનું જણાવવું છે.