અમદાવાદ,તા.૧૬
અમદાવાદના ગિરધરનગર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ સન્માન સમારંભમાં હાજર રહેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર સામે આંદોલનનો સૂર ફૂંકી સરકારને આડે હાથ લેતા બરોબરની ઝાટકણી કાઢી હતી. મેવાણીએ કહ્યું કે અમદાવાદના શાહપુર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ખાનગી પ્લોટમાં સન્માનનો કાર્યક્રમ રાખવાનું આયોજન કરાયું પણ પોલીસ પરમીશન આપતી નથી. પણ હવે લાઈન બદલી છે અને પોલીસની શાન ઠેકાણે લાવવા શાહપુરમાં જયાં દારૂના અડ્ડા ચાલે છે ત્યાં જ કાર્યક્રમ કરીએ. તેમણે કહ્યું કે ચૂંટાયેલા જન પ્રતિનિધિનો કાર્યક્રમ ન થવા દેવો એ વધુ પડતું છે. હું પોલીસની સાથે છું ગુજરાતની વિધાનસભામાં શપથ લીધા ત્યારે મને પટાવાળા અને કોન્સ્ટેબલ મિત્રો અને સફાઈ કામદારો મળવા આવ્યા. પટાવાળા સફાઈ કામદારો અને લિફટમેનને લઘુત્તમ વેતન ન આપી શકતી રૂપાણી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ.
જિગ્નેશ મેવાણીએ કહ્યું કે લઘુતમ વેતનના મુદ્દે મારે રાષ્ટ્રપતિને મળવાની ઈચ્છા થાય છે. લઘુતમ વેતન મામલે આ મામલે જનતા તરીકે આપણે સંગઠિત થવું પડશે. તેમણે કહ્યું કે ર૦૧૭મા જે નન આંદોલનો થયા તેના કારણે ૧પ૦ સીટ જોવાનું સપનું જોતા હતા. તેઓ ૯૯ પર આવીને અટકી ગયા હવે ૧૪મા લોકસભાની ચૂંટણીમાં ર૬ જીત્યા હતા તો હવે પછી ૧૯મા ફરી ર૬ પાછી લેવાની છે રર વર્ષ સુધી લાગલગાટ ગુજરાતની પથારી ફેરવાઈ તે ગુજરાતના ઈતિહાસમાં કયારેય જોવા મળ્યું નથી. તેમણે કહ્યું કે આરોગ્યના બજેટમાં ગુજરાત માથાદીઠ ચાર રૂપિયા ફાળવે છે સરકારી હોસ્પિટલોને વેચવા કાઢી છે. ત્રિપુરામાં ભાજપના વિજય બાદ તામિલનાડુ અને મેરઠમાં મૂર્તિઓ તોડવામાં આવી છે જો ર૦૧૯મા ફરી પાછા આ લોકો સરકારમાં આવશે તો બાબા સાહેબની મૂર્તિઓ તોડશે. અને મારા જેવા કોઈપણ વ્યકિત નિષ્ઠા અને પ્રમાણિકતા બોલશે તો જેલમાં ધકેલી દેવામાં આવશે. કોઈ દેવી તત્વ બચાવશે નહી આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ.
તેમણે કહ્યું કે જીવનમાં કદી પણ સન્માન નહી કરો તો ચાલશે પણ આંદોલનનો કોલ આપુ તો દોડી આવજો આ સરકાર સામે જે કોઈપણ ફાયરિંગ કરવું હોય તો જિગ્નેશ મેવાણીના ખાભા પર મુકીને કરજો પણ આ ફાયરિંગ એટલે કાયદા અને કાનૂનની મર્યાદામાં રહીને કરશો. ભીમા કોરેગાંવમાં કેસ દાખલ થયો ત્યારે જુહુના બીચ પર ફરતો હતો એવું કહી મેવાણીએ કહ્યું કે અમદાવાદમાં આખુ વર્ષ તલવાર અને ત્રિશુલ વેચ્યા ત્યારે ફરિયાદ દાખલ ન કરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને સંગઠિત બનાવી આગળ વધવાની જરૂર છે મારો સાચો ઉપયોગ માઈક પર નથી. પણ સંઘર્ષના મેદાનમાં છે ગુજરાતમાં દલિતો સાત ટકા છે તો દેશમાં ૧૭ ટકા છે રૂપાણી ઢળતો સુરજ છે અને મેવાણી ઉગતો સૂરજ છે પાંચ વર્ષમાં ગુજરાતનો ગરીબ માણસ રૂપાણી સાથે નહીં પણ મેવાણી સાથે હશે. ૧૪મી એપ્રિલે દલિત સમાજે એવો નિર્ણય કરવો જોઈએ કે વિજય રૂપાણીને બાબાસાહેબ આંબેડકરને હાથ લગાડી દેવા નહીં જોઈએ. ૧૪મી એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. કેટલાક લોકો પૂછે છે કે આંદોલન કયાં સુધી તો મારો જવાબ છે છેલ્લ શ્વાસ સુધી આંદોલન કરતો રહીશ.