અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા બે દિવસનો સંપૂર્ણ કરફ્યુ લાગુ કરી દેવાયો છે. ત્યારે કરફ્યુના પ્રથમ દિવસે જ પોલીસે કડક અમલ કરાવતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. જેના પગલે રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. જો કે, અચાનક કરફ્યુને લીધે કેટલાય મુસાફરો પણ અમદાવાદમાં અટવાઈ ગયા હતા. લોકોમાં કરફ્યુ લંબાશે તેવો ડર ઘર કરી ગયો છે. જેને પગલે લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે. કેમ કે, અગાઉ લોકડાઉનથી ધંધા-રોજગાર ઠપ થઈ જતા લોકો આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. પરંતુ અનલોક બાદ દિવાળી સુધી માંડમાંડ લોકોના ધંધા-રોજગાર શરૂ થયા હતા. ત્યાં ફરીથી બે દિવસના કરફ્યુથી લોકોને ધંધા-રોજગારની ચિંતા સતાવી રહી છે. ખાસ કરીને રોજ લાવીને રોજ ખાનારા મજૂરોને તો “જાએ તો જાએ કહાં” જેવી હાલત થઈ ગઈ છે. પ્રસ્તુત તસવીરમાં કરફ્યુના દિવસે અમદાવાદના સીટીએમના રસ્તાઓ સૂમસામ ભાસતા રસ્તા અને બીજી તસવીરમાં કાલુપુર રેલવે સ્ટેશને અટવાઈ ગયેલા મુસાફરો જ્યારે ત્રીજી તસવીરમાં જુહાપુરા ખાતે કરફ્યુનો અમલ કરાવવા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જે જોઈ શકાય છે.