અમદાવાદ,તા.૨૪
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે શહેરીજનોને બહુ મહ્‌ત્વની અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોરોના સામેની આપણી લડાઇ છે અને તેના માટે આપણે માનસિક તૈયારી રાખી લોકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું ચુસ્તપણે અને કડકાઇથી પાલન કરી કોરોનાના કેસોને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરવો પડશે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અગાઉ જે ચાર દિવસે ડબલ થવાની ઝડપ હતી, તે ઘટીને હવે સાતથી આઠ દિવસે ડબલ થઇ રહ્યા છે પરંતુ હજુ આ કેસો ડબલીંગ થવાની સમયમર્યાદા ૧૨ દિવસની લાવવી પડશે તો, આપણે કોરોના પર અસરકારક રીતે નિયંત્રણ લાવી શકીશું. આ સહેલુ નથી, બહુ જ અઘરૂં છે પરંતુ આપણે ભારે જાગૃતિ અને સાવધાની રાખી આ પ્રયાસને સાચા અર્થમાં સાર્થક કરી બતાવવો પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજય સરકારે મોલ અને કોમ્પલેક્ષ સિવાય દુકાનો-વ્યવસાય ચાલુ કરવાની મંજૂરી આપી છે પરંતુ અમદાવાદ શહેરના ૪૮ વોર્ડ પૈકી છ વોર્ડ કે જે કન્ટેઇનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયેલા છે, તેથી ત્યાં દુકાનો ખુલી શકશે નહી. કારણ કે, આ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં કોરોનાની પરિસ્થિતિ અને કેસો ગંભીર છે, તેથી ત્યાં દુકાનો ખોલવાની પરવાનગી અપાઇ નથી. તેમણે ઉમેર્યું કે, તા.૧૮મી પછી શહેરમાં કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. તે સારી વાત કહી શકાય. અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા અંગે કેન્દ્રની ટીમ સાથે થયેલી વાતચીત અંગે સ્પષ્ટ કરતાં મ્યુનિસિપલ કમિશનર નહેરાએ જણાવ્યું કે, કેન્દ્રીય ટીમે અમદાવાદની મુલાકાત અને કોરોના નિયંત્રણ માટે તંત્રએ લીધેલા પગલાં બાબતે સંતોષ વ્યકત કર્યો છે. જો કે, કેન્દ્રની ટીમે અમદાવાદમાં કોરોનાના ટેસ્ટીંગ, સામેથી કેસો શોધવાની પ્રક્રિયા સહિતના લેવાયેલા પગલાંઓ અંગેનો વિગતવાર અહેવાલ કેન્દ્રને મોકલી આપવા ટીમ તરફથી સૂચના અપાઇ છે, તેથી અમ્યુકો તંત્ર દ્વારા વિગતવાર અહેવાલ તૈયાર કરી કેન્દ્રને મોકલી અપાશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતુ કે, અમદાવાદ શહેરમાં આવતીકાલથી દુકાનો ખુલી રહી છે ત્યારે દુકાનદારોએ સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક, સેનીટાઇઝર સહિતની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, જો નિયમભંગ થયાનું ધ્યાનમાં આવશે તો, દુકાનની છૂટછાટ રદ બંધ કરાવવામાં આવશે. અમદાવાદમાં કેસોની સંખ્યામાં તીવ્ર ગતિથી વધારો થઇ રહ્યો છે. જે ચિંતાની બાબત દેખાઇ રહી છે.

કોરોનાના ક્યાં કેટલા કેસ વધ્યા ?

જિલ્લો કેસ
અમદાવાદ ૧૮૨
આણંદ ૦૫
બનાસકાંઠા ૧૧
ભાવનગર ૦૫
છોટાઉદેપુર ૦૨
ગાંધીનગર ૦૪
મહીસાગર ૦૧
નવસારી ૦૧
પંચમહાલ ૦૨
પાટણ ૦૧
સુરત ૩૪
સુરેન્દ્રનગર ૦૧
વડોદરા ૦૭
કુલ ૨૫૬