અમદાવાદ,તા.૨૫
અમદાવાદમાં કોરોનાનો હાહાકાર જારી રહ્યો છે. હવે દેશમાં સૌથી ઝડપથી જ્યાં કેસોમાં વધારો થઇ રહ્યો છે તેમાં અમદાવાદ સામેલ છે. આજે અમદવાદના જુદા જુદા વિસ્તારમાં નવા ૧૮૨ કેસો સપાટી પર આવ્યા હતા. તેની સાથે જ એકલા અમદાવાદમાં કેસોની સંખ્યા વધીને ૨૦૦૩ ઉપર પહોંચી ગઇ હતી. આજે અમદાવાદમાં વધુ ત્રણ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૮૬ ઉપર પહોંચી ગયો હતો. અમદાવાદમાં હજુ સુધી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને હવે ૧૧૫ ઉપર પહોંચી ગઇ છે. રમઝાન મહિનાની શરૂઆત થઇ છે ત્યારે રાહતના ભાગરુપે શહેરના કોટ વિસ્તારમાંથી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ લોકો દ્વારા ભારે લાપરવાહી રાખી રહ્યા છે. લોકડાઉન અને કેન્દ્રની માર્ગદર્શિકાનો ખુલ્લો ભંગ કરવામાં આવી રહ્યો છે. એકબાજુ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે લોકડાઉનના નિયમોને પાળવામાં આવી રહ્યા નથી. જેના કારણે કેસોની સંખ્યામાં ઝડપી ગતિથી વધારો થઇ રહ્યો છે. રમઝાનના ભાગરૂપે લોકડાઉન હોવા છતાં સવારમાં કેટલાક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જામી હતી. ઘણા વિસ્તારોમાં લોકડાઉનનો ભંગ થયો થયો હતો. સમગ્ર રાજયમાં કોરોનાનું હોટસ્પોટ અને એપીસેન્ટર સમા બનેલા અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના હજારો પોઝિટિવ કેસ નોંધાયા છે.મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પોતે કહી ચુક્યા છે કે હાલમાં સાવધાની રાખવાની જરૂર દેખાઇ રહી છે. તેઓ કહી ચુક્યા છે કે અમદાવાદ શહેરની કોરોનાની સ્થિતને લઇ લોકોએ સાવધાન અને સાવચેત રહેવુ પડશે. નહી તો, શહેરમાં કોરોનાના કેસો વધવાની ગંભીર દહેશત છે. કોટ વિસ્તારમાંથી ગઇકાલે શુક્રવારના દિવસે કરફ્યુ ઉઠાવી લેવાયો હતો પરંતુ લોકડાઉન છે છતાં શહેરના કેટલાક વિસ્તારમાં આજ સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી હતી. લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્‌યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવતું હતું છતાં લોકો પાલન કરતા ન હતા.