(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૯
રાજ્યમાં આજે કોવિડ-૧૯ના કેસોએ તમામ રેકોર્ડ તોડી એક દિવસનો સૌથી વધુ કેસોનો રેકોર્ડ સ્થાપ્યો છે. અમદાવાદમાં હાઈએસ્ટ ર૩૪ કેસો સાથે રાજ્યમાં ૩૦૮ કેસો નોંધાયા હતા, જ્યારે બીજા ક્રમે સુરતમાં ૩૧ અને ત્રીજા ક્રમે વડોદરામાં ૧પ કેસો નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં ૧૬ મોત નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૯, વડોદરા અને સુરતમાં ત્રણ-ત્રણ તથા રાજકોટમાં એક દર્દીનો સમાવેશ થાય છે. રાજ્યમાં આજરોજ કોરોના પોઝિટિવના ૩૦૮ નવા કેસ નોંધાવાની સાથે ૯૩ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંક ચાર હજારને વટાવી ૪૦૮ર થયો છે. જે પૈકી ૧૯૭ દર્દીઓનાં મોત નિપજ્યા છે. ૩૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે. ૩૩ર૪ દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે પર૭ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી ૫૯,૪૮૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, તે પૈકી ૫૫,૪૦૬ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે ૪૦૮ર દર્દીઓ પોઝિટિવ થતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યમાં જે ૧૬ લોકોનાં મોત નિપજ્યા છે. તેમાં ૧ર દર્દીઓ હાયપરટેન્શન, અસ્થમા, ફેફસા, માનસિક બીમારી, થાઈરોઈડ જેવી વિવિધ બીમારીથી પણ પીડાતા હતા, જ્યારે બાકીના ચાર દર્દીઓના પ્રાથમિક રીતે કોવિડ-૧૯ના કારણે જ મોત નિપજ્યા છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર ૧૦૪ અમલમાં મૂકવામાં આવેલ છે. આ હેલ્પલાઈન પર અત્યાર સુધી ૬૦,૮૫૫ લોકોએ કોરોના અંગે કોલ કર્યા હતા, તે પૈકી ર૯૮૩ લોકોને સારવાર આપવામાં આવી હતી. કોરોના પોઝિટિવના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. અત્યાર સુધી ૪ર,૩૯૦ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી ૩૯,૪૮પને હોમ ક્વોરન્ટાઈન, ૩ર૪૪ લોકોને સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન અને બાકીના ર૦૧ લોકોને ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોના બેકાબૂ; ર૩૪ કેસો સાથે રાજ્યમાં કુલ ૩૦૮ લોકો ઝપટમાં

ફાઇલ તસવીર
Recent Comments