(એજન્સી)
અમદાવાદ તા.૧૮
સોમવારે આઈઆઈએમ અમદાવાદને વસ્ત્રાપુર વિસ્તાર સાથે જોડતા વ્યસ્ત માર્ગ પર આશરે ૧૦૦ પરપ્રાંતિય કાર્યકરો એકઠા થયા હતા અને લોકડાઉન દરમિયાન પોલીસ અને ત્યાંથી પસાર થતાં લોકો ઉપર પથ્થરમારો કર્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ દાવો કર્યો કે, પરપ્રાંતિય કામદારો માંગ કરી રહ્યા હતા કે, તેઓને તેમના વતન સ્થળે પાછા જવા દેવામાં આવે. શહેર પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે તોફાનીઓને અટકાવવા માટે ટીયરગેસ ના શેલો છોડ્યા હતા અને અનેક શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લગભગ સવારે ૧૦૦ જેટલા સ્થળાંતર કરનારાઓ અચાનક સવારે રસ્તા પર આવ્યા હતા અને અંધાધૂંધ પથ્થરબાજી કરી રહ્યા હતા. તેમણે પોલીસ અને વાહનોમાં પસાર થતા લોકો પર પથ્થરમારો કર્યો, બનાવની માહિતી મળતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે, ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસના શેલો છોડ્યા હતા. અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
આ વિસ્તારમાં છુપાયેલા ગુનેગારોને પકડવા નજીકમાં આવેલા મજૂરોની વસાહતમાં પોલીસે કામગીરી શરૂ કરી હતી, સ્થળ પરથી અનેક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.