અમદાવાદ, તા.૨૬
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આજે સાત આત્મહત્યાના બનાવો સપાટીએ આવ્યા છે. મળતી માહિતી મુજબ સરખેજ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ મનુભાઈ રોહિત (ઉ.વ.૩૩)નાએ પોતાના ઘરમાં પંખાના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બીજી બાજુ પાલડી વિસ્તારમાં રહેતા જગદીશ વાલજીભાઈ સોલંકી (ઉ.વ. ૩૫)નાએ પણ ૨૫મી જૂનના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જેમાં પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, પતિ અને પત્નીના સામાન્ય ઝઘડામાં જગદીશભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે નરોડા વિસ્તારમાં હીરલબેન મુકેશભાઈ વોરા (ઉ.વ.૨૩)એ ૨૫મી જૂનના દિવસે પોતાના ઘરે પંખાના હુકમાં દૂપટ્ટો બાંધી ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જ્યારે અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મહાદેવ ગોપીનાથા નાયડુ (ઉ.વ.૨૨)એ ૨૫મી જૂનના દિવસે આત્મહત્યા કરી લીધી હતી જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહાદેવભાઈએ કોઈ કામ ન હોવાથી કંટાળી ગયા હતા, જેના કારણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે રિવરફ્રન્ટ વેસ્ટમાં આત્મહત્યાના ત્રણ બનાવો બન્યા હતા જેમાં સંજયભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૩૦)એ જમાલપુર ફૂલ બજાર નદીના પાણીમાં ડૂબી જઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે પ્રકાશભાઈ દિનેશભાઈ ટુડિયા અને હસમુખભાઈ ગણપતભાઈ પરમારે પણ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જ્યારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ કયા કારણસર આત્મહત્યા કરી છે તેની હાલમાં તપાસ કરી રહી છે.