અમદાવાદ, તા.ર
એસસી/એસટી એક્ટમાં ફેરફારને વિશે સુુપ્રીમકોર્ટે કરેલા નિર્ણય સામે દલિત સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતંુ. જેના અંતર્ગત અમદાવાદ શહેરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ ઠેર-ઠેર રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવ્યા હતા. તેમજ બસોમાં તોડફોડ કરી હતી. તેમજ પોલીસ ઉપર પથ્થરમારો કરાતા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડયા હતા. આમ દલિતોના વિરોધને પગલે અમદાવાદમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એસસી/એસટી એકટમાં ફેરફારના વિરોધમાં યોજાયેલા પ્રદર્શન આક્રમક બની ગયા હતા. અમદાવાદમાં એએમટીએસની ર૦થી વધુ બસોમાં તોડફોડ કરવામાં આવી હતી તો બીજી બાજુ બીઆરટીએસ બસોને પણ ટોળાએ નિશાન બનાવતા બસોને નુકસાન થયું હતું તેમજ બસોના ટાયરોની હવા કાઢી નોંધવાના બનાવો પણ બનવા પામ્યા હતા. અમદાવાદના સારંગપુર, કાલુપુર, દાણીલીમડા, અસારવા, વાડજ, ચાંદખેડા, શાહપુર, આંબાવાડી, અમરાઈવાડી, પાલડી, કાંકરિયા, ગોમતીપુર, રાયપુર સહિતના વિસ્તારોમાં દલિત આંદોલનની અસર વધુ જોવા મળી હતી. જેમાં દાણીલીમડામાં દલિતોએ મોટી સંખ્યામાં રસ્તા ઉપર બેસી જઈને રસ્તો ચક્કાજામ કરી દીધો હતો તો અમરાઈવાડી, સીટીએમ અને જશોદાનગરના પુનિતનગરમાં પણ વિરોધ કરતાં દલિતોએ ચક્કાજામ કરીને દુકાનો બંધ કરાવી દીધી હતી. ભારત બંધના એલાનને અમદાવાદના વેપારી વર્ગ દ્વારા પણ સમર્થન આપી દુકાનો બંધ રાખી હતી તો સારંગપુરમાં વિરોધ પ્રદર્શન કરતાં દલિતોના ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરતાં મામલો વણસ્યો હતો. ત્યારે પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. તદુપરાંત અમદાવાદ શહેરમાં વિરોધ પ્રદર્શન કરી અરાજકતા ફેલાવનારા ટોળાનું પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે લાઠીચાર્જનો સહારો લીધો હતો તો ઠેર-ઠેર બસોની તોડફોડને પગલે બસોને ડાયવર્ટ કરવામાં આવી હતી. આમ સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ભારે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.

વિરોધ કરતાં દલિત યુવાન દ્વારા
હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ

અમદાવાદ દલિત સંગઠનો દ્વારા બજાર અને કોલેજો બંધ કરાવવાનો પ્રયાસ કરાયો હતો તેમજ બસો અને બીઆરટીએસ બસના સ્ટેશનોના કાચ પણ તોડી નાખ્યા હતા. જો કે, શહેરના સારંગપુર ખાતે વિરોધ કરી રહેલા એક દલિત યુવાને હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે માહોલ વધુ ઉગ્ર બની ગયો હતોે. જો કે, હાથની નસ કાપનારો કલોલનો મુકેશ નામનો યુુવાન હોવાનું જાણવા મળ્યું છે.
વિરોધ પ્રદર્શનની આડમાં અસામાજિક તત્ત્વોએ કરી લૂંટ
એસસી-એસ.ટી. એકટમાં ફેરફારના વિરોધમાં ભારત બંધના એલાનને ગુજરાતના દલિતોએ સમર્થન આપીને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો યોજયા હતા. ત્યારે ઘણી જગ્યાએ આ વિરોધ પ્રદર્શનોએ હિંસકરૂપ ધારણ કર્યું હતું. અમદાવાદના સારંગપુર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ટોળામાં ભળી ગયેલા કેટલાક અસામાજિક તત્વોએ દુકાનો બંધ કરાવવાના બહાને દુકાનોમાં લૂંટ કરી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. અસામાજિક તત્વોએ આંદોલનકારીઓની આડમાં પોતાના મનસુબા પાર પાડીને દુકાનોમાંથી લૂંટ કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સારંગપુરમાં આવેલી એક શુઝની દુકાનમાં આવા અસામાજિક તત્વોએ લૂંટ કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.