અમદાવાદ, તા.૧૯

જો તમે સોશિયલ મીડિયાથી બનેલા મિત્રના સંપર્કમાં આવો અને તેને મળવા જવાના હોવ તો આ કિસ્સો વાંચજો. કેમ કે, અમદાવાદમાં સોશિયલ મીડિયાથી મિત્ર બનેલી યુવતીને મળવા ગયેલા વેપારીને યુવતી તેના ફ્લેટમાં લઈ ગઈ, જ્યાં યુવતીએ તેનું ટોપ ઊતાર્યું ને એટલામાં જ કેટલાક લોકો મકાનમાં ઘૂસી ગયા અને વેપારી હનીટ્રેપમાં ફસાઈ ગયો. જો કે, ફ્લેટમાં ઘૂસેલા યુવકો પૈકી એક યુવકે તો પોતે પોલીસમાં કર્મી હોવાનું કહીં માંડવાળ પેટે રૂા.પ૦ લાખ માંગી છેલ્લે રૂા.ર૦ લાખ પડાવી લીધા હતા, ત્યાં સુધી વેપારીને કિડનેપ કરી રાખ્યો હતો. જો કે, સમગ્ર મામલામાં સંડોવાયેલો નકલી પોલીસકર્મી આનંદનગર પોલીસના હાથે પકડાયો, ત્યારે સમગ્ર હનીટ્રેપનો પર્દાફાશ થયો છે, ત્યારે નકલી પોલીસવાળો યુવક અને કાંડમાં સંડોવાયેલી યુવતીને પોલીસે પકડી લીધા છે.

વિગત વાર વાત કરીએ તો બોપલ આંબલી રોડ પર રહેતા ૪૧ વર્ષીય વેપારી ફોરેક્સ ટ્રેડિંગનો ધંધો કરે છે. અગિયારેક વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા. જો કે, ચારેક વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા. વેપારીએ તાજેતરમાં જ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. બાદમાં તેઓને જાનવી નામની યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. મેસેજમાં વાતચીત થયા બાદ તેઓ થોડા દિવસ પહેલાં એસજી હાઇવે પરના ખેતલાઆપા ટી સ્ટોલ પર મળ્યા હતા. બાદમાં બીજા દિવસે મળવાનો વાયદો પણ બંને વચ્ચે થયો હતો. બીજા દિવસે મળ્યા અને બાદમાં જાનવી નામની યુવતીએ એકાંત જગ્યા પર જવાનું કહી ગોતા ખાતે તેના ફ્લેટમાં લઈ ગઈ હતી, ત્યાં પહોચી વાતો કર્યા બાદ જાનવી એ પોતાનું ટોપ ઉતાર્યું ને બાદમાં વેપારીને પણ કપડાં કાઢવાનું કહ્યું હતું. તે જ સમયે ત્યાં ત્રણેક લોકો ઘુસી આવ્યા ને જાનવી તેમની બહેન થાય છે તેમ કહી વેપારીને માર માર્યો હતો. એક વ્યક્તિ જાનવીને લઈને નીકળી ગયો હતો. જ્યારે યુવરાજસિંહ નામનો વ્યક્તિ ગોતામાં પોલીસ તરીકે નોકરી કરતો હોવાનું કહી રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. બાદમાં ૫૦ લાખની માંગણી કરી અંતે ૨૦ લાખમાં ડિલ થઈ હતી. આંગડિયા પેઢી થકી રૂપિયા પણ આપી દીધા હતા. જોકે આ બધું પૂર્ણ થયા બાદ વેપારી ઘરે ગયા અને ત્યાં તેમને હાઇપ્લોગ્લાસમિયા એટેક આવ્યો હતો. દરમિયાનમાં જાણ થઈ કે આનંદનગર પોલીસે એક સમીર ચારણિયા નામના વ્યક્તિને ડુપ્લીકેટ પોલીસ તરીકે પકડ્યો છે, ત્યાં જઈને જોતા યુવરાજસિંહ બનેલો વ્યક્તિ જ સમીર નીકળ્યો હતો. જેથી વેપારીએ આ મામલે સેટેલાઈટમાં જાનવી, સમીર ચારણીયા અને આશિક દેસાઈ નામના લોકો સામે ખંડણી, ધમકી આપી હોવાની, ગોંધી રાખવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અત્રે નોંધનીય છે કે, સેટેલાઈટ પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જોવા મળી છે. હનીટ્રેપનો બનાવ અગાઉ બન્યો હતો. પરંતુ આનંદનગર પોલીસે નકલી પોલીસને પકડ્યા બાદ સેટેલાઈટ પોલીસે વેપારીને બોલાવીને હનીટ્રેપ કેસની ફરિયાદ નોંધી છે.