શિયાળાનું આગમન થતાં જ રાજ્યના વિવિધ તળાવો, નદીઓ અને અભ્યારણ્યોમાં યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. ચાલુ વર્ષે વરસાદ સારો પડ્યો હોવાથી પુષ્કળ પ્રમાણમાં પાણી છે. પરિણામે સાત સમંદર પારથી ગુજરાતના મહેમાન બનતા પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ અને પૂરતો ખોરાક મળી રહેશે. અમદાવાદમાં પણ સાબરમતી નદીના વિવિધ કાંઠે આવા પક્ષીઓ જોવા મળે છે. જો કે, અમારા તસવીરકારે વાસણા ડેમ ખાતે જોવા મળેલા ફ્લેમિંગો સહિતના યાયાવર પક્ષીઓની પાણી અને હરિયાળીના સંગમ સાથેની પાડેલી તસવીર જાણે હિલ સ્ટેશનનો અનુભવ કરાવતી હોય તેમ મનને મોહી લે તેવી છે.

(તસવીર :- રફીક શેખ)