(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૭
કોરોના મહામારીને કારણે લદાયેલા લોકડાઉન બાદ બંધ કરી દેવાયેલી મેટ્રો ટ્રેન સેવા સાડા ચાર માસના લાંબા વિરામ બાદ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી પુનઃ શરૂ કરવામાં આવી હતી. જો કે પ્રથમ ટ્રીપમાં માત્ર ર૦થી રર મુસાફરો જ જોવા મળ્યા હતા. કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન કરવા સાથે મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી.
કોરોના કાળ વચ્ચે શરૂ થયેલી અમદાવાદીઓની સ્વપ્ન સમાન મેટ્રો ટ્રેન સેવાનો પુનઃ પ્રારંભ કરતા અગાઉ મેટ્રો સ્ટેશનોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. મુસાફરો માટે માસ્ક ફરજિયાત કરાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવામાં આવ્યું હતું. દરેક મુસાફરોનું થર્મલગનથી ચેકીંગ કર્યા બાદ સેનેટાઈઝરથી હાથ સ્વચ્છ કરાવીને જ સ્ટેશનમાં પ્રવેશ અપાતો હતો. વસ્ત્રાલ ગામથી સવારે ૧૧ કલાકને ૬ મિનિટે મેટ્રો ટ્રેન એપરલ પાર્ક જવા રવાના થઈ હતી. સવારે અને સાંજે ૧ કલાક માટે શરૂ થયેલી એ ટ્રેનમાં શરૂઆતમાં માંડ ર૦થી રર મુસાફરો હતા. આ તમામ મુસાફરો સંપૂર્ણ ડિસ્ટન્સ સાથે બેઠેલા જોવા મળ્યા હતા. જો કે મુસાફરોની સંખ્યા જ ઓછી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ શકયું હતું. હાલ તો બે દિવસ ૧ કલાક ટ્રેન ચાલુ રહેશે. ત્યાર બાદ રાબેતા મુજબ સવારે ૧૧થી સાંજના પ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન શરૂ કરાશે આ માટે તમામ ૬ સ્ટેશનો પર આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે.