(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૧
કોરોના…કોરોના…ના હાહાકાર અને તેની ઈફેકટના દૃશ્યો-સમાચારો છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિતની રાજયની પ્રજાની સામે જ હતા અને છે. જો કે તેને લઈને પ્રજાજનો વિશ્વના લોકોની ચિંતા કરવા સાથે એટલા ભયભીત ન હતા કે તેમાં ભય પણ જોવા મળતો ન હતો. પરંતુ રાજયમાં કોરોના વાયરસનો વ્યાપ ન વધે તે માટે પ્રયત્નશીલ સરકારના પ્રયાસો વચ્ચે કોઈક નેગેટીવ વિચારધારા ધરાવતા ઉચ્ચ અધિકારી કે પછી રાજકીય અગ્રણીના ઈશારે ગત રોજથી અમદાવાદ શહેરમાં કોરોનાના નામે જે પગલા લવાઈ રહ્યા છે. તેના કારણે રીતસરનો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે અમદાવાદના ત્રણ દરવાજા, ઢાલગરવાડ, પાનકોરનાકા બુટ ચંપલ બજાર સહિતના વિસ્તારોની દુકાનો લારી-ગલ્લા-પાથરણા વગેરે પોલીસ દ્વારા જોહુકમી પુર્વક શુક્રવારની સાંજથી જ બંધ કરાવી દેવામાં આવતા લોકોમાં ભય અને ચિંતાની લાગણી ઉભી થવા પામી છે. આ સાથે નજીકના જ એવા માણેકચોક તથા રતનપોળ જેવા બજારો ચાલુ રહેતા અને તેને બંધ કરાવવા પોલીસ દ્વારા કોઈ પ્રયાસો પણ ન કરાતા પક્ષપાતી પોલીસની કાર્યવાહી સામે શંકા સાથે રોષ ઉભો થવા પામ્યો છે. કોરોના વાયરસના નામે ભય ઉભો કરવાનો પોલીસ પ્રયાસ કરી રહી હોવાનું આ વિસ્તારોમાં સ્પષ્ટ જણાઈ આવે છે. પોલીસ દ્વારા ગત રોજ શુક્રવારે સાંજે પણ આ વિસ્તારો બંધ કરાવવામાં આવ્યા હતા. તો બાદ આજે સવારે પણ પોલીસે આવીને ઉપરોકત બધા વિસ્તારોમાં ફરીને બજારો બંધ કરાવ્યા હતા. પોલીસ દ્વારા દુકાનો-લારી-ગલ્લાવાળાઓને એમ કહેવામાં આવતું હતું કે, કલમ ૧૪૪ લાગુ કરી છે ખબર પડતી નથી બધુ બંધ કરો. ત્રણ દરવાજા, ઢાલગરવાડ સહિતના ઉપરોકત બધા વિસ્તારોમાં મોટા ભાગે લઘુમતીઓની દુકાનો-લારી-ગલ્લા આવેલ છે અને તેમાંના ઘણા કાયદાની કલમોના જાણકાર નથી એટલે શું દલીલ કરે ? અને બીજો પોલીસનો ડર પણ એટલો જ એટલે બધાએ સંઘર્ષ કરવાના બદલે દુકાન-ધંધા બંધ કરી દીધા. કલમ ૧૪૪ લોકોના ભેગા થવા મુદ્દે છે નહી કે ધંધા રોજગાર બંધ કરવા માટે અને અમદાવાદમાં તો આ કલમ ૧૪૪ છાશવારે વારેઘડિયે લાગુ થતી રહે છે છેલ્લા ૧-ર વર્ષમાં સંખ્યાબંધ વાર આ કલમ લાગુ કરાઈ હતી તો તે બધી વખતે દુકાનો કેમ ના બંધ કરાઈ ? આ વિસ્તારના દુકાનદારોનો સંપર્ક કરાતા તેમણે કહ્યું કે અમને પોલીસે આવી દુકાનો બંધ કરવા કહ્યું છે એટલે અમે બંધ કરી જતા કરફયુ તો આવતીકાલે રવિવારે છે અને તે પણ વડાપ્રધાન મોદીએ સ્વૈચ્છિક રીતે પાળવા આહવાન કર્યું છે. તો પછી તેના માટે ફરજ કેમ પડાય છે ? અને તે પણ શુક્રવારની સાંજથી બંધ કેમ કરાવાય છે ? તેવા પ્રશ્નો દુકાનદારોએ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં ઘણા દુકાનદારોએ તો પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નો ઉભા કરતા જણાવ્યું હતું કે, અમારા લઘુમતી વિસ્તારની દુકાનો બંધ કરાવાઈ તો નજીકમાં જ આવેલ રતનપોળ અને માણેકચોકના બજારો કેમ બંધ ના કરાવાયા ? રતનપોળ અને માણેકચોકના વિસ્તારોની દુકાનવાળાઓને જયારે પૂછવામાં આવ્યું કે અહી પોલીસ તમારી દુકાનો-બજાર બંધ કરાવવા આવી હતી તો તેઓએ ઈન્કાર કર્યો ના અમારે ત્યાં કોઈ બંધ કરાવવા આવ્યું નથી. આમ પોલીસની આવી બેવડા ધોરણની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.