અમરેલી, તા.૨૫
રાજ્યમાં અષાઢી બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા નીકળે છે અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રા નહિ નીકળતા લોકોમાં ભારે નિરાશા પ્રસરી ગઈ હતી. ત્યારે રથયાત્રા અમદાવાદમાં નહિ નિકળવાના કારણે મંદિરમાં મહંત દિલીપદાસજી મહારાજે વ્યક્તિગત રીતે દુઃખ વ્યક્ત કરી મીડિયા સામે જણાવ્યું હતું કે મારો ભરોસો તૂટ્યો છે ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના આ નિવેદન પર રાજનીતિ શરૂ થઈ છે. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે નિવેદન આપતા જણાવ્યું હતું કે રથયાત્રા ન નીકળી શકી તે માટે એક સંત વ્યથિત થાય તે સ્વાભાવિક છે કારણે કે રથયાત્રા સાથે તેમની આસ્થા જોડાયેલી હોય છે.
કોરોના મહામારીનું સંક્રમણ અમદાવાદમાં વધુ હોય તેવા સમયે અમદાવાદના જાહેર માર્ગમાં રથયાત્રાનું આયોજન ન કરી શકાય તે પણ એક વાસ્તવિકતા છે.
પણ બાપુનું રથયાત્રા બાબતે નિવેદન એક સૂચક નિવેદન છે અને તે રાજ્ય સરકાર સામે ગર્ભિત ઈશારો કરે છે ત્યારે ભાવિકો અને શ્રદ્ધાળુઓને જાણકારી માટે બાપુએ ખુલીને બોલવું જોઈએ અને જણાવવું જોઈએ કે કોણ રમત રમી ગયું અને કોણે ભરોસો તોડ્યો છે.