અમદાવાદ, તા.રપ
અમદાવાદ મ્યુનિ.કોર્પો. દ્વારા ખારીકટ કેનાલને સ્વચ્છ બનાવી દેવાનો દાવો કરવામાં આવ્યો ત્યારે ખારીકટ કેનાલમાં લાખો રૂપિયાના ખર્ચે સફાઈ ચાલી રહી છે પરંતુ જે રીતે કેનાલમાં ગેરકાયદે ડ્રેનેજ કનેકશનમાંથી પાણી આવી રહ્યા છે અને કેનાલમાં છે તે જોતા કેનાલની સફાઈ નામની હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત રાજ્યના સ્થાણના દિન સુજલામ-સુફલામ યોજના અંતર્ગત અમદાવાદ કોર્પો. દ્વારા ખારીકટ કેનાલ સાફસફાઈ તેમજ તળાવોની સફાઈ-શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરમાં આવેલી ર૧ કિલોમીટર લાંબી ખારીકટ કેનાલની સફાઈ માટે મોટા પાયે સાધન સામગ્રી લાવવામાં આવી હતી અને તેના પર નેતા-અધિકારીઓએ ફોટા પડાવી વાહવાહી લૂંટી હતી તેમાં ગૃહમંત્રી સહિતના નેતાઓને સફાઈ કામગીરીનું અવલોકન કર્યું હતું તેમ છતાં કેનાલની હાલની બદત્તર સ્થિતિ જોતા એવું લાગે છે કે, કેનાલને સંપૂર્ણપણે સ્વચ્છ કરી શકાશે નહીં. કેનાલમાં ગેરકાયદે ડ્રેનેજ કનેકશનો આવેલા છે. જેમાંથી ગંદુ પાણી આવી રહ્યું છે. આ ઉપરાંત કચરો પણ કેનાલમાં પડેલો જોવા મળે છે આમ કેનાલની સફાઈ માત્રને માત્ર દેખાવ પૂરતી હોય તેવું લાગી રહ્યું છે. કેનાલની સફાઈનું કામકાજ ૩૧ મે બાદ સફાઈની કામગીરી બંધ કરી દેવામાં આવશે ત્યારે પ્રશ્ન એ છે કે, આટલા દિવસોમાં કેનાલ સ્વચ્છ થઈ શકી નથી તો હવે પાંચ દિવસમાં તેની સફાઈ કઈ રીતે થશે એ જ યજ્ઞ પ્રશ્ન છે. જો આ ગેરકાયદે ડ્રેનેજ કનેકશન કાપવામાં આવે તો સોસાયટીઓમાં ડ્રેનજના પાણી બેક મારે છે આથી તેને કાપી શકાય તેમ પણ નથી. આ પરિસ્થિતિ કોર્પોરેશને એસટી પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકાનું માનીએ તો એસટી પી પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી કેનાલમાં નાંખવામાં આવશે. અગાઉ પણ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલની સફાઈ કરવા માટે ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે હવે સુજલામ-સુફલામ યોજનાના ગતકડા હેઠળ કરવામાં આવેલી સફાઈ કામગીરી લેખે લાગશે કે કેમ તે તો સમય આવ્યે ખબર પડશે પણ સફાઈનો કોન્ટ્રાક્ટ લેનારને મસમોટી કમાણી થઈ ગઈ તે તો ચોક્કસ છે.