(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા. ૩
અમદાવાદ શહેર કોરોના વાયરસ માટે હોટસ્પોટ તરીકે બની ગયું છે. કોરોના પોઝિટિવના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સાત નવા કેસો સપાટી ઉપર આવી ગયા છે જેના લીધે ગુજરાત સરકારની સાથે સાથે કોર્પોરેશનની પણ ઉંઘ હરામ થઇ ગઇ છે. કોરોના વાયરસ ખતરનાક રીતે અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં વધી રહ્યો છે. આના ભાગરૂપે હવે તંત્ર દ્વારા કલસ્ટર ક્વોરન્ટાઈનની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના પાંચ વિસ્તારોમાં ૫૦૦થી વધુ ઘરોમાં લોકોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. લોકલ ટ્રાન્સમિશન મારફતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે સ્થિતિ ગંભીર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવતી તમામ સોસાયટીઓ કલસ્ટર ક્વોરન્ટાઈન કરાઈ રહી છે. સોસાયટીના લોકોને હવે બહાર નહીં નિકળવા માટે સૂચના આપવામાં આવી રહી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ હવે જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પણ લોકો દ્વારા ઘર સુધી પહોંચાડવામાં આવશે જેનાથી કોરોના વાયરસના ફેલાવાને રોકી શકાશે. સસ્તા અનાજની દુકાનો ઉપર વ્યાપક ભીડ જામી રહી છે તેને લઇને પણ નવી સમસ્યા ઉભી થઇ છે. અલબત્ત લોકોને સુવિધા મળે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. સવારમાં સામાન્ય સ્થિતિની જેમ લોકો બહાર નિકળી રહ્યા છે. અમદાવાદના શાહપુર, બાપુનગર, શાહઆલામ, જમાલપુર અને દરિયાપુર સહિતના વિસ્તારોમાં ક્લસ્ટર ક્વોરનટાઈનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આ વિસ્તારના પ૦૦ જેટલા ઘરોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ માટે ચિંતાજનક બાબત એ છે કે, રાજ્યમાં અન્ય વિસ્તારોની સરખામણીમાં અમદાવાદમાં કેસોની સંખ્યા વધુ ઝડપથી વધી છે. અમદાવાદને કેન્દ્ર સરકાર તરફથી પણ સૌથી વધારે કોરોનાના કેસ વધે તે પ્રકારે હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવી ચુક્યું છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કેટલાક વિસ્તારોને હોટસ્પોટ તરીકે જાહેર અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો વધ્યા છે. કલસ્ટર ક્વોરન્ટાઈન બાદ લોકોમાં તર્કવિતર્કોની શરૂઆત થઇ છે. જો કે, આ સંદર્ભમાં મોડે સુધી કોઇ ખાસ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.