અમદાવાદ, તા.૧૨
અમદાવાદ શહેરમાં કૌટુંબિક ઝઘડામાં એસિડ એટેકની ઘટના બની છે. એસિડ એટેકની હિચકારી ઘટનામાં બે માસૂમ બાળકીઓ સહિત ચાર લોકો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરી દાખલો બેસાડે તે જરૂરી છે.
વિગતવાર વાત કરીએ તો શહેરના માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે નાના બાળકો અને મહિલા પર એસિડ એટેકની ઘટના બની હતી. કૌટુંબિક ભાઈઓએ મકાન ખાલી કરાવવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યા બાદ વહેલી સવારે બારીમાંથી એસિડ ફેકયું હતું, જેમાં પાંચ અને આઠ વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઊડતા તેઓ પણ ચહેરા અને આંખ પણ દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઊડતા તેઓન દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેક થતા બંને બાળકીના ચહેરા અત્યારે બગડી ગયા છે. મહેંદીકુવા વિસ્તારમાં આવેલી એક ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. લક્ષ્મીબેને મકાન છ વર્ષ પહેલાં તેમના કાકા સસરા મોહનભાઇ દંતાણી પાસેથી રૂા. ત્રણ લાખમાં ખરીદ્યું હતું. મકાન ખરીદી લીધું હોવા છતાં તેમના પુત્ર અજય અને વિજય આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા. આ દરમ્યાનમાં મુંબઈથી લક્ષ્મીબેનના બહેન બનેવી આવ્યા હતા. તમામ લોકો ઘરમાં સુતા હતા ત્યારે અજય દંતાણી વહેલી સવારે આવ્યો હતો. મકાનની બારી ખુલ્લી હતી, તેમાંથી બૂમ પાડી કહ્યું હતું કે, મકાન કેમ ખાલી નથી કરતા તમે કેવી રીતે રહો છો. તેમ કહી હાથમાં રહેલો એસિડનો ડબ્બો ઊંચો કરી ઘરની અંદર એસિડ ફેકયું હતું. આ લક્ષ્મીબેન, તેમની પાંચ અને આઠ વર્ષની દીકરી તેમજ ૧૦ વર્ષના દીકરા પર એસિડ ઊડયું હતું. તમામના ચહેરા પર એસિડ ઊડતા તેઓ દાઝી ગયા હતા. બે નાની છોકરીઓના ચહેરા પર એસિડ વધુ ઊડતા તેઓના ચહેરા ખરાબ થઈ ગયા હતા. કૌટુંબિક ઝઘડામાં બંને બાળકીઓને ચહેરા બગડ્યા હતા. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માધવપુરા પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે. જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એકપણ આરોપીની પોલીસ ધરપકડ કરી શકી નથી.